• બુધવાર, 27 મે, 2026

સૂત્રાપાડા હાઈવે પર બે રિક્ષા વચ્ચે અકસ્માત : મહિલાનું મૃત્યુ

11 લોકો ઈજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડાયા

લોઢવા, તા. 26 : ગિર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા-લોઢવા હાઈવે રોડ પર એસ.બી.આઈ. બેંક આગળ અને ભૂતેશ્વર મંદિરની બાજુમાં આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બે સીએનજી ઓટો રિક્ષાઓ વચ્ચે સામસામે પ્રચંડ ટક્કર થતા ઘટનાસ્થળે ચીસો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કુલ 11 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે સૂત્રાપાડાની એક મહિલાનું મૃત્યુ નીપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બન્ને રિક્ષા વચ્ચે અથડામણ એટલી ભયાનક હતી કે તેની અડફેટે ત્યાંથી પસાર થઈ રહેલી એક કાર પણ આવી ગઈ હતી. અકસ્માતના કારણે કારને પણ ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા 6 વ્યક્તિને સૂત્રાપાડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય 5 ઈજાગ્રસ્તની હાલત વધુ નાજુક જણાતા તેઓને વધુ સારવાર અર્થે વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ કમનસીબ અકસ્માતમાં ગંભીર ઈજાઓના કારણે સૂત્રાપાડાના રહેવાસી કંચનબેન જયદીપભાઈ બારડનું દુ:ખદ અવસાન થયું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી માર્ગ પરનો ટ્રાફિક હળવો કરાવ્યો હતો તેમજ અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક