• બુધવાર, 27 મે, 2026

આરબલુસ હત્યા કેસ આત્મહત્યામાં ખપાવવાનો કારસો નાકામ, પતિ અને જેઠાણીને આજીવન કેદ

જામનગર સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો : મેડિકલ પુરાવા અને સાક્ષીઓની જુબાનીના આધારે નરાધમોને જેલહવાલે કરતી અદાલત

જામનગર, તા.26 : લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં ચકચારી બનેલા પૂર્ણાબા જાડેજાના મોતના મામલામાં જામનગરની સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પરિણીતાએ આત્મહત્યા કરી હોવાનો ખોટો ઢોંગ રચીને હત્યાના ગુનાને છુપાવવાનો પ્રયાસ કરનાર પતિ શક્તાસિંહ રાજુભા જાડેજા અને જેઠાણી અનીતાબા અનોપાસિંહ જાડેજાને અદાલતે કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે.

લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહેતા શક્તાસિંહ રાજુભા જાડેજા નામના યુવાન સાથે કેટલાક સમય પહેલા ભાવનગરના ભંડારિયા ગામના જયુભા કનુભા ગોહિલના પુત્રી પૂર્ણાબાના લગ્ન થયા હતા. તે પછી પૂર્ણાબાએ કેટલોક સમય વિત્યે પોતાના સાસરિયે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસમાં જાહેર કરવામાં આવ્યું હતું. આ બાબતની પિતા જયુભા ગોહિલને જાણ કરવામાં આવતા તેઓ આરબલુસ દોડી આવ્યા હતા. તેઓએ લાલપુર પોલીસ સ્ટેશનમાં મૃતક પૂર્ણાબાના પતિ શક્તાસિંહ તથા જેઠાણી અનીતાબાએ ત્રાસ આપતા પોતાની પુત્રીએ આત્મહત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગુનામાં તપાસ કરતા પૂર્ણાબાએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા નહીં કર્યાનું અને પતિ તથા જેઠાણીએ તેણીને મૃત્યુને ઘાટ ઉતાર્યાનું ખૂલતા પોલીસે હત્યાનો ગુનો નોંધી ચાર્જશીટ કર્યું હતું. ઉપરોક્ત કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા સરકારી વકીલે 44 દસ્તાવેજી પુરાવા અને ર6 સાક્ષીની જુબાની રજૂ કરી હતી જ્યારે આરોપીઓએ બનાવ વખતે ઘરે હાજર ન હોવાનું અને હત્યા ન કરી હોવા છતાં પોલીસે ખોટી રીતે સંડોવ્યાનું અદાલતને જણાવ્યું હતું. તેની સામે મૃતદેહનું પીએમ કરનાર તબીબે મૃતકનું મૃત્યુ ગળાફાંસાથી નહીં પરંતુ ગળાટૂંપાથી થયાની જુબાની આપી હતી. તે પછી અદાલતે પતિ શક્તાસિંહ રાજુભા અને જેઠાણી અનીતાબા અનોપાસિંહને તકસીરવાન ઠરાવ્યા હતા. અદાલતે બન્ને આરોપીને આજીવન કેદ અને શક્તાસિંહને કુલ સાત હજાર અને અનીતાબાને રૂ.6 હજારનો દંડ ફટકાર્યે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક