• સોમવાર, 08 જૂન, 2026

તળાજામાં મહિલા પર હુમલાના કેસમાં ભાજપના પૂર્વ નગરસેવક અને બે પુત્રને 3 વર્ષની સજા

8 વર્ષ પહેલાના કેસમાં અદાલતનો ચુકાદો

તળાજા, તા.7 : તળાજામાં 8 વર્ષ પહેલાં પાડોશી મહિલા પર ટ્રેકટર દૂરથી ચલાવવા જેવી સામાન્ય બાબતે હુમલો કરવાના કેસમાં અદાલતે ભાજપના પૂર્વ નગરસેવક અને તેના બે પુત્રને તકસીરવાન ઠરાવી 3 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે. 

તળાજાના શાસ્ત્રીનગર ખાતે રહેતા ભાકુબેન મનુભાઈ જાબુંચાના દીકરાના લગ્ન હોવાથી ઘર બહાર ઓટલો કર્યો હતો. પાડોશમાં રહેતા ફર્નિચરનો ધંધો કરતા રણછોડભાઈ છગનભાઈ ચાવડાને ત્યાં ટ્રેકટર આવતા ઓટલો તૂટે નહિ તેનું ધ્યાન રાખવાનું કહેતા ઉશ્કેરાઈ જઇ ઘરમાંથી ધારીયું લાવી ભાકુબેનને માથામાં ઝીંકી દીઘું હતું અને તેના બન્ને પુત્ર ધરમશીભાઈ અને યોગેશભાઈએ આવી ભાકુબેનને મૂંઢ માર માર્યો હતો.

હુમલામાં ભાકુબેનને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જે અંગે તળાજા પોલીસ મથકમાં વર્ષ 2017માં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા ત્રણેય આરોપી પક્ષ વિરુદ્ધ નક્કર પુરાવાઓ રજૂ થતાં એડિ.સિવિલ જજ દ્વારા ત્રણેય આરોપીને તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે.

કોર્ટે વિશેષમા નોંધ્યું છે કે ગુન્હો સ્ત્રી વિરુદ્ધનો હોય અદાલતે આરોપીઓને પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટનો લાભ આપવો યોગ્ય ગણેલ નહિ. ઉલ્લેખનીય છે કે રણછોડભાઈ ચાવડા નગર સેવક રહીચુક્યા છે. અદાલતે ફટકારેલી સજા સામે આરોપી પક્ષ દ્વારા ઉપલી કોર્ટમાં જવા માટે જામીન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત રણછોડભાઈએ એમ પણ જણાવ્યું હતું કે અમારા દ્વારા સમાધાન માટેપણ કાર્યવાહી કરવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક