• સોમવાર, 08 જૂન, 2026

રામ મંદિરના ચઢાવામાંથી નાણાં ગાયબ થયાના અખિલેશના આક્ષેપને ટ્રસ્ટનો રદિયો

અખિલેશ યાદવનો ખળભળાટ મચાવતો દાવો : ટ્રસ્ટે બચાવમાં કહ્યું, તમામ વ્યવહાર પારદર્શક

નવીદિલ્હી, તા.7 : અયોધ્યામાં ભવ્યાતિભવ્ય શ્રીરામ મંદિરને મળેલા ચઢાવા- દાનમાંથી કરોડો રૂપિયા પગ કરી ગયા એટલે કે ગાયબ થયાનો ખળભળાટ મચાવતો દાવો સમાજવાદી પાર્ટીનાં નેતા અખિલેશ યાદવે કર્યો છે. અખિલેશે આ ચોંકાવનારો ખુલાસો કરવા સાથે આમાં અદાલતે સંજ્ઞાન લેવું જોઈએ તેવો આગ્રહ પણ વ્યક્ત કર્યો હતો. 

અખિલેશના આરોપ બાદ રામમંદિર ટ્રસ્ટના સદસ્ય અને નિર્મોહી અખાડાના મહંત દિનેન્દ્ર દાસે પલટવાર કરતાં ટ્રસ્ટનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે, તેમને કોઈપણ પ્રકારના ગોટાળાની જાણ નથી. ટ્રસ્ટના બધા જ સદસ્ય પૂરી નિષ્ઠા અને પરંપરા અનુસાર જ કામ કરી રહ્યાં છે. અમને રામલલા ઉપર પૂરો વિશ્વાસ છે. જો કોઈ ભૂલ કરશે તો રામલલા સ્વયં તેને દંડ દેશે. તેમણે આગળ કહ્યું હતું કે, રામમંદિરમાં પૂજા-અર્ચના, આરતી અને અન્ય વ્યવસ્થાઓ સુચારુ ચાલી રહી છે અને ટ્રસ્ટની બેઠકમાં જે કોઈપણ નિર્ણય લેવામાં આવે છે તે પૂરી પારદર્શકતા સાથે હોય છે.

અખિલેશે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખીને આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આને દુનિયાભરનાં રામભક્તો માટે બેહદ સંવેદનશીલ મુદ્દો ગણાવતા કહ્યું હતું કે, આ ઘટના મંદિર ટ્રસ્ટ માટે પણ બેહદ શરમજનક છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, રામ મંદિરનાં દાનમાંથી કરોડો રૂપિયા ગાયબ છે. તેમણે મંદિર ટ્રસ્ટ અને સરકારના આ મુદ્દે મૌન સામે પણ સવાલ ઉઠાવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, આ વિશે સરકારનું મૌન પણ સંદિગ્ધ પ્રતીત થાય છે.

ઉત્તરપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશે હિસાબની આ વિસંગતીને સાર્વજનિક ચિંતાનો વિષય ગણાવતા કહ્યું હતું કે, આ ખૂબ જ શરમજનક છે અને કોઈ આગળ આવીને આની સ્પષ્ટતા આપવા પણ તૈયાર નથી.

તેમણે આગળ કોર્ટની દરમિયાનગીરીનો આગ્રહ રાખતાં કહ્યું હતું કે, આ મુદ્દો દુનિયાભરનાં સનાતન સમુદાયની ભગવાન રામમાં ગાઢ આસ્થા સાથે જોડાયેલો છે. અદાલતે આમાં સ્વત:સંજ્ઞાન લેવું જોઈએ.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક