• સોમવાર, 08 જૂન, 2026

સુરતમાં માવો ખાવા બાબતે થયેલી માથાકૂટમાં બે મિત્રની હત્યા

પાનનો ગલ્લો ખોલવાની જીદ કરતા કેરમ રમતા યુવકોએ છરીના ઘા ઝીંકી બન્નેને પતાવી દીધા

સુરત, તા.7: સુરતના સિંગણપોર વિસ્તારમાં મોડી રાત્રે પાનનો ગલ્લો ખોલાવી માવો ખાવા જેવી સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પાનનો ગલ્લો બંધ હોવાથી ગલ્લો ખોલવા માટે બે મિત્રોએ જીદ કરી ગલ્લા માલિક સાથે ઝઘડો શરૂ કર્યો હતો. આ સમયે ત્યાં કેરમ રમી રહેલા અન્ય યુવકો વચ્ચે પડતા મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ બન્ને મિત્રો ત્યાંથી જઈને તીક્ષ્ણ હથિયારો સાથે પાછા આવ્યા હતા અને હુમલો કર્યો હતો. સામા પક્ષે કેરમ રમી રહેલા શખસોએ હથિયારો આંચકીને વળતો હિંસક પ્રહાર કરતા બન્ને મિત્રોના કરુણ મોત નીપજ્યાં હતાં. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને પ્રાથમિક તપાસમાં મૃતક બન્ને યુવક ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું ખૂલ્યું છે.

આ ડબલ મર્ડરની ઘટનામાં લિંબાયતના સંજયનગરમાં રહેતા હર્ષલ અધિકારભાઈ પાટીલ (ઉં.વ. 30)નું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓનાં કારણે મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે વેડ રોડ બાપાસીતારામ ચોક ખાતે રહેતા તેના પાકા મિત્ર ભટ્ટુ વનરાજભાઈ માળી (ઉં.વ. 25)નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. બન્ને મૃતક મિત્રો પોતાના અન્ય ત્રણ સાથીદારો સાથે ડભોલી ગામ નજીક બજરંગનગર પાસે આવેલા પાનના ગલ્લે ગયા હતા, જ્યાં કેરમ રમી રહેલા ચાર શખસ સાથે તેમની ખૂની આખરી લડત થઈ હતી.

ઘટનાને પગલે સિંગણપોર પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓ પૈકીના બે આરોપીઓ રાહુલ કવચાડ અને પિન્કેસ વાલેકરની ધરપકડ કરી લીધી છે. આ મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલા આરોપી પિન્કેસને પોલીસ બંદોબસ્ત હેઠળ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે જ્યારે આ ચકચારી હત્યાકાંડમાં સામેલ અન્ય બે ફરાર આરોપીઓ તેજસ કલ્લુ અને અક્ષય મોરેને વોન્ટેડ જાહેર કરી, તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક