• સોમવાર, 08 જૂન, 2026

ભાવનગરમાં સગીરનું અપહરણ કરી માર મારી વીડિયો બનાવનાર 6 શખસ ઝડપાયા

ભાવનગર, તા.7 : શહેરના શિશુવિહાર વિસ્તારમાં રહેતા એક 17 વર્ષીય સગીરનું કારમાં અપહરણ કરી, તેને આખી રાત ઓફિસમાં બંધ રાખી પાઇપ અને વાયર વડે ઢોરમાર મારવાની ચકચારી ઘટના સામે આવી છે. આ મામલે સગીરની માતાએ ફરિયાદ નોંધાવતા ગંગાજાળિયા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગુનામાં સંડોવાયેલા તમામ 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

બનાવની વિગત મુજબ, ગત 4 જૂનના રોજ સગીર ઘરની બહાર નીકળ્યો હતો. રાત્રે તે ભીલવાડા સર્કલ પાસે હતો ત્યારે આરોપીઓએ તેને આંતરી, છરી બતાવી ધમકી આપી હતી. ત્યારબાદ તેને બળજબરીથી અર્ટિગા કારમાં બેસાડી મોતીતળાવ વિસ્તારમાં આવેલી ઓફિસમાં લઈ ગયા હતા. સગીરે મોબાઇલની ચોરી ન કરી હોવા છતાં, આરોપીઓએ તેને પ્લાસ્ટિક તથા લોખંડના પાઇપ અને બાઇકના વાયરથી બેફામ માર માર્યો હતો.

આરોપીઓએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી, ચોરીની બળજબરીપૂર્વક કબૂલાત કરાવતો વીડિયો પણ શૂટ કર્યો હતો. વહેલી સવારે સગીરને કરચલીયાપરા વિસ્તારમાં ઉતારી દેવાયો હતો. ઇજાગ્રસ્ત સગીરને તાત્કાલિક સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ગંગાજાળિયા પોલીસે આ ગુનામાં ક્યુમખાન પઠાણ, અમન ઉર્ફે માવાદી કુરેશી, અમન ઉર્ફે એ.કે. કાઝી, સાહિલ ઉર્ફે ચીનો કુરેશી, મહમદકેફ બાતવીલ અને મહમદઝુબેર શેખ નામના તમામ છ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક