• મંગળવાર, 09 જૂન, 2026

પુણેથી જોધપુર જતી બસમાંથી 4 કરોડના સોના-ચાંદીના દાગીના સાથે 3 ઝડપાયા

આબુરોડ પોલીસે ખાનગી ટ્રાવેલ્સમાં ચાકિંગ કરાતા ત્રણ થેલામાંથી કિંમતી ધાતુનો જથ્થો પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.8: ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલા બનાસકાંઠાના અમીરગઢ નજીક આબુરોડ રીકો પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી કાર્યવાહી કરીને કરોડોનું બિનહિસાબી સોનું અને ચાંદી ઝડપી પાડયું છે. રાજસ્થાન પોલીસ દ્વારા માવલ ચોકી ખાતે કરવામાં આવેલી ખાસ નાકાબંધી દરમિયાન, પુણેથી જોધપુર તરફ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી મોટી પ્રમાણમાં સોના-ચાંદીના દાગીનાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ મામલે ત્રણ શંકાસ્પદ મુસાફરોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, આબુરોડ રીકો પોલીસ મથકનો સ્ટાફ માવલ ચોકી પાસે વાહનોનું સઘન ચાકિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન પુણેથી જોધપુર જતી લક્ઝરી બસ પાલનપુર થઈને આવી રહી હતી, ત્યારે ગુજરાત સરહદથી આગળ તપાસ અર્થે રોકવામાં આવી હતી. બસમાં સવાર મુસાફરોની પૂછપરછ અને તેમની પાસે રહેલા સામાનની તલાશી લેતા ત્રણ વ્યક્તિઓ શંકાસ્પદ જણાતા તેમની પાસે રહેલા થેલાની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમાંથી કિંમતી સોના અને ચાંદીના દાગીનાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે જ્યારે આ દાગીના અંગે તેની માલિકીના પુરાવા કે ખરીદીના બિલ અથવા કોઈ પણ પ્રકારના કાયદેસરના દસ્તાવેજો માંગ્યા, ત્યારે આ ત્રણેય મુસાફરો કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. દાગીનાના વજનની ગણતરી કરાતા તેમાંથી અંદાજે 2.8 કિલો સોનું અને 800 ગ્રામ ચાંદી હોવાનું સામે આવ્યું છે. બજાર કિંમત અનુસાર આ જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત આશરે 4 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. આ ગેરકાયદે હેરફેર મામલે પોલીસે બસમાં મુસાફરી કરી રહેલા રમેશકુમાર પ્રજાપતિ, ગજેન્દ્રાસિંહ રાજપૂત અને ચંદુલાલ નામના ત્રણ આરોપીની ઓળખ કરીને તેમની અટકાયત કરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક