• મંગળવાર, 09 જૂન, 2026

ભાવનગર : મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે કરોડોના તોડ અને ધમકીના આક્ષેપ

ભાવનગર, તા.8:ભાવનગરની વિવાદિત મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા ફરી એકવાર મોટા વિવાદમાં સપડાઈ છે. જિલ્લાના તળાજા તાલુકાના બોરડા ગામના પૂર્વ સરપંચ રાજુ ભમ્મરે નયના બારૈયા અને સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલ સામે લાખો રૂપિયાનો તોડ કરવા તેમજ ફોન પર ધમકી આપવાના ગંભીર આક્ષેપો સાથે દાઠા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી છે. પૂર્વ સરપંચ સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલા કોન્સ્ટેબલના સંપર્કમાં આવ્યા બાદ, ખોટી રીતે ‘લીવ ઈન’નાકાગળો કરાવી છેલ્લા દોઢ વર્ષમાં તેમની પાસેથી મોટી રકમ અને મોંઘી વસ્તુઓ પડાવી લેવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે.

અરજીમાં જણાવ્યા મુજબ, ગત તારીખ 5 જૂનના રોજ કીર્તિ પટેલે રાજુ ભમ્મરને ફોન કરીને નયના બારૈયાનું ઉપરાણું લઈ ધમકી આપી હતી અને મોટી રકમની માગણી કરી હતી. આ વાત ન માનતા કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર પૂર્વ સરપંચના પરિવારને બદનામ કરતો વીડિયો પણ વાયરલ કર્યો હતો. આ બન્ને વ્યક્તિઓ ભેગા મળીને કાયદાની ચુંગાલમાં ફસાવી દે તેવી ભીતિ જણાતા આખરે પૂર્વ સરપંચે દાઠા પોલીસનો આશરો લીધો છે, તેમજ ભવિષ્યમાં આ મામલે સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ઉલ્લેખ કર્યો છે. આ ચકચારી ઘટનાને પગલે સ્થાનિક પંથક અને પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.

ઇ-પેપરના નવા શુલ્ક