• મંગળવાર, 09 જૂન, 2026

રાજ્યસભાની ગુજરાતની ચારેય બેઠક બિનહરીફ થશે

પાર્ટીના વર્તમાન સંખ્યાબળને ધ્યાનમાં રાખતાં બિનહરીફ ચૂંટાશે, પ્રદેશ ભાજપ અધ્યક્ષ, નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ,તા.8 : ગુજરાતના સંસદીય ઈતિહાસમાં આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે. રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી અંતર્ગત ગુજરાતની ચાર ખાલી પડતી બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોએ આજે વિધાનસભા ખાતે વિજય મુહૂર્તમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,  પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં નામાંકન પત્રક ભર્યા હતા.

ઉમેદવારોમાં રાજુભાઈ શુક્લા, માનાસિંહ પરમાર, મુકેશભાઈ રાઠવા અને જીતેન્દ્રભાઈ કણઝારિયાનો સમાવેશ થાય છે.ભાજપે આ વખતે સંગઠનમાં લાંબા સમયથી સક્રિય અને વિવિધ વર્ગોનું પ્રતિનિધિત્વ કરતા નવા ચહેરાઓને તક આપી છે. પાર્ટીના વર્તમાન સંખ્યાબળને ધ્યાનમાં રાખતાં ચારેય ઉમેદવારોની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. આ તમામ ઉમેદવારોને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સહિત મંત્રીમંડળના સભ્યોએ શુબેચ્છાઓ પાઠવી હતી.

ભાજપાના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રક ભરાયા બાદ મીડિયા સાથેની વાતચીતમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થયા બાદ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આજે એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક ઘટના આકાર લઈ રહી છે. ભાજપના ઉમેદવારો દ્વારા આજે ફોર્મ ભરાવાની સાથે જ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્યસભાની તમામ 11 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના સભ્યો નિયુક્ત થઈને એક નવો કીર્તિમાન સ્થાપિત કરવા જઈ રહ્યા છે, જે ઘટના ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે અંકિત થશે.

રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય એવા ગુજરાતમાં જનતાએ ભાજપના પ્રતિનિધિઓને એટલી પ્રચંડ બહુમતીથી ચૂંટ્યા છે કે આજે રાજ્યસભા માટે ફોર્મ ભરવાની પણ કોંગ્રેસની સ્થિતિ રહી નથી. વાર-તહેવારે ભાજપ પર પ્રહારો કરતી કોંગ્રેસે હવે ગંભીર આત્માચિંતન કરવાની જરૂર છે.

જ્યારે ઉર્જા અને પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે  આ ઘટનાને ’ઐતિહાસિક’ ગણાવી હતી અને ભારપૂર્વક કહ્યું હતું કે, ગુજરાતમાં એક અદભુત અને ઐતિહાસિક રાજકીય ઘટના આકાર લઈ ચૂકી છે. આજે યુવા ચહેરા પસંદ થયા છે અને પહેલી વખત રાજ્યસભામાં ગુજરાતમાંથી એક પણ સાંસદ કોંગ્રેસમાંથી નહીં હોય તેવો એક નવો ઈતિહાસ આજે બનવા જઈ રહ્યો છે.

ચૂંટણીનો કાર્યક્રમ જાહેર મુજબ, રાજ્યસભાની 24 બેઠકો માટે 18 જૂને ચૂંટણી યોજાશે. ઉમેદવારી પત્રકની તપાસ 9 જૂને અને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 11 જૂન છે. મતદાન સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી થશે અને સાંજે 5 વાગ્યે મતગણતરી શરૂ થશે. આ ચૂંટણીમાં આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકની ચાર-ચાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ત્રણ-ત્રણ, ઝારખંડની બે તથા અન્ય નાના રાજ્યોની એક-એક બેઠક સામેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક