રાજકોટ,તા.26 : સોનાની ખરીદીના નામે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા એક એનઆરઆઈ સાથે થયેલી રૂ.11 લાખની છેતરાપિંડીનો અમરેલી સાયબર ક્રાઇમ પોલીસે સફળતાપૂર્વક ઉકેલ લાવ્યો છે. ફરિયાદીએ વિદેશમાં બેઠા માત્ર એક ઇ-મેઇલ મારફતે ફરિયાદ કરી હતી, જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેમની સંપૂર્ણ રકમ પરત અપાવી હતી.
મૂળ નવી દિલ્હીના રહેવાસી અને
હાલ સિડનીમાં રહેતા સૌરભ જોલીએ એપ્રિલ-2026માં સોનું ખરીદવા માટે અમરેલીના એક વ્યક્તિને
રૂ.11 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જોકે, રૂપિયા ચૂકવ્યા બાદ પણ તેમને સોનું આપવામાં આવ્યું
નહોતું. ત્યારબાદ તેમણે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતને ઇ-મેઇલ કરીને ફરિયાદ કરી
હતી. ફરિયાદ મળતા જ અમરેલી સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી હતી. ટીમે સંબંધિત બેંક
સાથે સંકલન કરી નાણા મેળવનાર વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. પોલીસની સમજાવટ અને કાર્યવાહી
બાદ આખરે રૂ.11 લાખની સંપૂર્ણ રકમ ફરિયાદીને પરત કરવામાં આવી હતી.
અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર
કમલેશ ખટાણાએ જણાવ્યું હતું કે, ફરિયાદની ગંભીરતા ધ્યાનમાં લઈને ઝડપી કાર્યવાહી કરવામાં
આવી હતી અને ફરિયાદીને સતત તપાસ અંગે માહિતગાર રાખવામાં આવ્યા હતા. સૌરભ જોલીએ અમરેલી
પોલીસની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું કે, હજારો કિલોમીટર દૂર હોવા છતાં તેમને ક્યારેય
એવું લાગ્યું નહીં કે તેઓ તપાસથી અલગ છે. પોલીસના ઝડપી પ્રતિસાદ, સતત સંપર્ક અને વ્યવસ્થિત
કામગીરીથી તેમનો ગુજરાત પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત થયો છે.