ચોરાઉ ફોન સોફ્ટવેર અને ટૂલ્સની મદદથી રીબૂટ કરી ગ્રાહકો તેમજ અન્ય રાજ્યોમાં વેચવામાં આવતા હતા
મોડાસા,
તા.10 : અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાંથી સ્નાચિંગ, ચોરી અને છળકપટથી મેળવેલા મોબાઇલ
ફોનને મોડાસામાં લાવીને અનલોક કરવા અને IMEI
નંબર સાથે ચેડાં કરીને વેચાણ કરતું મોટું રેકેટ અરવલ્લી-મોડાસા એલસીબીએ ઝડપી પાડયું
છે. પોલીસે મોડાસા માર્કેટ યાર્ડ ગેટ પાસે આવેલી ‘અલીજા મોબાઈલ રીપેરિંગ એન્ડ સાલિંગ’ની
દુકાનમાં દરોડો પાડીને 46 મોબાઇલ ફોન, એક લેપટોપ અને અન્ય સાધનસામગ્રી સહિત કુલ રૂ.9,20,984
નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ચોરાઉ ફોન સોફ્ટવેર અને ટૂલ્સની મદદથી રીબુટ કરી સેકન્ડ
હેન્ડ ગ્રાહકો તેમજ અન્ય રાજ્યોમાં વેચવામાં આવતા હતા અને આ મામલે સાયબર પોલીસ સ્ટેશન
મોડાસા ખાતે ભારતીય ન્યાય સંહિતા, આઇટી એક્ટ અને ટેલિકમ્યુનિકેશન એક્ટ હેઠળ કાયદેસરની
કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કેસમાં
પોલીસે તલ્હા હનીફભાઈ સીધવા, મોહમદ શાહરૂખ મોહમદ રફીક ચૌહાણ, અનસ આરિફભાઈ સુથાર અને
નકીબ મોહમદસલીમ જેથરા એમ ચાર આરોપીઓને ઝડપી પાડયા છે. હાલની પોલીસ તપાસમાં કબજે કરાયેલા
મોબાઈલ પૈકી રાણીપ, વસ્ત્રાલ, મેઘાણીનગર, અમદાવાદ સિવિલ હોસ્પિટલ તથા બોપલ પોલીસ સ્ટેશન
વિસ્તારના મોબાઈલ ચોરી થયેલા હોવાનું બહાર આવ્યું છે, જેમાંથી મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં
ઇ-એફઆઇઆર પણ નોંધાઈ ચૂકી છે. આ સમગ્ર રેકેટમાં સંડોવાયેલા અમદાવાદના વટવા ખાતે રહેતા
મોહમદ હુસેન ઉર્ફે તીલ્લી ઉર્ફે બાલી મોહમદસલીમ મોહમદ અબ્દુલા શેખ અને જુહાપુરાના આરીફને
વોન્ટેડ જાહેર કરી પોલીસે તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.