સંખ્યાબંધ મકાનો અને ઈમારતો ધરાશાયીઃ સેંકડો ઘાયલ, હજારોનું સ્થળાંતર
નવીદિલ્હી,તા.10ઃ દક્ષિણ અમેરિકામાં આવેલા કોલમ્બિયા દેશમાં આજે 7.4ની તીવ્રતાનાં ભીષણ શક્તિશાળી ભૂકંપે સંખ્યાબંધ ઈમારતોને જમીનદોસ્ત કરી નાખી હતી અને આ કુદરતી પ્રકોપનાં પ્રાથમિક અહેવાલોમાં 47થી વધુ લોકોનાં મૃત્યુ નીપજ્યા હોવાનું જાણવા મળે છે. હજી પણ મોટી સંખ્યામાં લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનાં કારણે મૃત્યુઆંક વધવાની ભીતિ છે. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ સન જોસ ડેલ પાલ્મરમાં હતું. જ્યાં આશરે 4800 લોકોની
વસ્તીનો વસવાટ હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનનાં પેટાળમાં 107 કિ.મી. ઉંડે નોંધાયું હતું. આ ભૂકંપનાં કંપનો પાડોશી ઈક્વાડોરમાં પણ અનુભવાયા હતાં.
પ્રાપ્ત થતાં અહેવાલો અનુસાર પેરેરિયા, કાલી અને ક્યુબ્દોમાં અનેક મકાનો અને ઈમારતો ધરાશાયી થઈ હોવાથી સેંકડોની સંખ્યામાં લોકોને સ્થળાંતરિત થવાની ફરજ પડી હતી. આમ તો સાધારણ ભૂકંપનાં આચકા કોલમ્બિયા માટે નવા નથી પણ 6 કરતાં વધુ તીવ્રતાનો ભૂકંપ અહીં ક્યારેક જ આવે છે. આ પહેલા 6.2ની તીવ્રતાનાં ધરતીકંપે અર્મેનિયામાં 1100 લોકોનો
ભોગ લીધો હતો.