• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

સુરતમાં ઘરમાંથી માતા-પુત્રીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યા

દોઢ વર્ષથી સાથે રહેતા ગામના જ યુવકે હત્યા નીપજાવ્યાનો આક્ષેપ

સુરત, તા. 3 : સુરતમાં પૂણા વિસ્તારમાં ઘરમાંથી જ માતા અને પુત્રીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે. મૃતક મહિલાના પુત્રએ પરિવાર સાથે છેલ્લાં દોઢ વર્ષથી સાથે રહેતા ગામના જ યુવકે હત્યા નીપજાવ્યાનો આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે.

મૂળ યુપીના વતની અને હાલ પૂણા વિસ્તારમાં આવેલી શિવનગર સોસાયટીમાં રહેતા અવધેશ શ્રીવાસ્તવ, પત્ની જાશાબેન, પુત્રી ભાવના અને મુસ્કાન અને પુત્ર આનંદ તથા અન્ય બે નાના જોડિયા દીકરાઓ સાથે રહી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઉપરાંત ગામનો જ વતની હિમાંશુ નામનો યુવક છેલ્લા દોઢ વર્ષથી તેમની સાથે જ રહેતો હતો. ગત રોજ ઘરમાં માતા જશાબેન (ઉં.42)અને બહેન મુસ્કાન(ઉં.19) જ હાજર હતાં. તે વેળાએ માતાએ પુત્ર આનંદને ફોન કરીને જણાવ્યું હતું કે, હિમાંશુ સિંહ તેમને માર મારી રહ્યો છે. માતાનો ફોન આવ્યા બાદ આનંદ તાત્કાલિક કામ પરથી નીકળી ગયો હતો પરંતુ ફરીથી ફોન આવ્યો કે, માતાનું અવસાન થઈ ગયું છે. જેથી પુત્ર આનંદે ઘરે જઈને જોતાં માતાનો મૃતદેહ પાછળના રૂમમાં નીચે પડેલો હતો અને તેના ગળામાં સાડી બાંધેલી હતી જ્યારે રૂમમાં પડેલી બહેનના ગળા પર કોઈએ હાથ વડે જોરથી ગળું દબાવ્યું હોય તેવા કાળા ડાઘ અને સ્પષ્ટ નિશાનો ઉપસી આવ્યા હતા.પોલીસની પ્રાથમિક તપાસમાં બન્ને મૃતકના મોબાઈલ ફોન પણ ગાયબ હોવનુ જાણવા મળ્યું છે. જેથી ગુમ થયેલા મોબાઇલ ફોનની કૉલ ડિટેઇલ્સ અને ડેટા મળ્યા બાદ જ સમગ્ર ઘટનાની સ્પષ્ટતા થશે. હાલ પૂણા પોલીસે માતા અને પુત્રીના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર યુવક હિમાંશુ સિંહની શોધખોળ શરૂ કરી વધુ તપાસ શરૂ કરી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક