(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 2: આણંદના પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની રૂ.3.56 કરોડની અપ્રમાણસર મિલકતના
કેસમાં જામીન અરજી એસીબીની વિશેષ અદાલતે ફગાવી દીધી છે. કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતા
કોર્ટે અવલોકનમાં નોંધ્યું હતું કે આર્થિક ગુનાઓ પ્રજાના સરકારી તંત્ર પરના વિશ્વાસને
નુકસાન પહોંચાડે છે. કેતકી વ્યાસ તપાસથી દૂર રહ્યા હતા અને ટ્રાયલ વખતે ભાગી જવાની
શક્યતા છે. વધુ તપાસ માટે તેમની પોલીસ કસ્ટડી જરૂરી છે.
અપ્રમાણસર
મિલકતના આ કેસમાં સરકારી પક્ષ દ્વારા જામીન અરજીનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો અને
રજૂઆત કરાઈ હતી કે આરોપી ઉચ્ચ હોદ્દા પર રહી ચૂક્યા હોવાથી જામીન મળતાં તપાસ પર માતબર
અસર પડી શકે છે. જામીન અરજી રદ કરવાનો હુકમ સંભળાવતી વખતે અદાલતે ભ્રષ્ટાચાર અને ગેરકાયદે
મિલકત બનાવતા અધિકારીઓ સામે અત્યંત સખત વલણ અપનાવ્યું હતું. કોર્ટે પોતાના ચુકાદામાં
નોંધ્યું હતું કે, અપ્રમાણસર મિલકતનો કેસ અત્યંત ગંભીર પ્રકૃતિનો છે અને આવા ગુનાઓને
હળવાશથી લઈ શકાય નહીં. ગેરકાયદે મિલકતના ગુનાઓ સરકારી તંત્ર અને વહીવટ પરના સામાન્ય
પ્રજાના વિશ્વાસને સીધું અને મોટું નુકસાન પહોંચાડે છે. સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા
માટે આરોપીની રૂબરૂ પૂછપરછ અને તપાસ અત્યંત જરૂરી છે, જેથી આ તબક્કે જામીન આપી શકાય
નહીં. જો આરોપીને અત્યારે જામીન પર મુક્ત કરવામાં આવે તો કેસની નિષ્પક્ષ તપાસને મોટું
નુકસાન પહોંચી શકે છે. ભ્રષ્ટાચારી અધિકારીઓને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં આવવા ન જોઈએ.