• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

સુરેન્દ્રનગર હાઇવે પર કેમિકલ ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ

રેન્જ આઈજીની ટીમનો દરોડો, રૂ.45.29 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રાગર, તા.3: સુરેન્દ્રનગર જિલ્લાના હાઇવે પર આવેલી હોટલોમાં લાંબા સમયથી બેફામ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી હોવા છતાં સ્થાનિક પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ નિક્રિય સાબિત થતાં તેમની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ દરમિયાન રેન્જ આઈજીની ટીમે બાતમીના આધારે ગઇરાત્રે હાઇવે પર સ્થિત ‘યુપી બિહાર હોટલ’ના પાર્કિંગમાં દરોડો પાડીને ટેન્કરના માલિકની જાણ બહાર કિંમતી કેમિકલની ચોરી કરવાનું બહુ મોટું નેટવર્ક ઝડપી પાડયું છે. આ સફળ કામગીરી દરમિયાન રેન્જની ટીમે કુલ 45.29 લાખનો કિંમતી મુદ્દામાલ અને ચોરી માટે વપરાતા સાધનો કબ્જે કર્યા છે. આ ગેરકાયદે કાળા કારોબારમાં સંકળાયેલા માજિદ વાહીદ અલી (રહે. મલહુપુર, ઉત્તર પ્રદેશ), સાહિલ ફિરોજભાઈ મુલતાની (રહે. સુરેન્દ્રનગર), ઈકબાલ ખાન, જયરાજાસિંહ રાઠોડ (રહે. ચુડા) તથા જયવીર ભાઈ કાઠી સામે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન બે આરોપીઓને સ્થળ પરથી પકડી પાડી તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી યુપી બિહાર હોટલના પાર્કિંગમાં અલગ-અલગ ટેન્કરોમાંથી મોંઘાદાટ કેમિકલની ચોરી કરવાનો ખેલ ચાલી રહ્યો હતો, ત્યારે રેન્જ આઈજીની ટીમે સપાટો બોલાવીને આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી સ્થાનિક પોલીસને સોંપી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક