• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

અમદાવાદમાં જિમ લોન્જના માલિક સાથે 1.66 કરોડની ઠગાઈ આચરી

મેનેજર સહિત ત્રણ શખસે મેમ્બરશિપની સ્કીમ હેઠળ નાણાં ઓળવી લેતા ફરિયાદ 

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.17: અમદાવાદ અને સુરતની જાણીતી જિમ લોન્જના માલિક સાથે તેમના જ વિશ્વાસુ કર્મચારીઓએ રૂ.1.66 કરોડની ઠગાઈ આચરી હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે.

જિમ લોન્જના 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગ્રાહકો માટે 1 જુલાઈથી 10 જુલાઈ દરમિયાન એક આકર્ષક ઓફર લોન્ચ કરાઈ હતી. આ સ્કીમ હેઠળ ગ્રાહકોને માત્ર રૂ10,000માં 10 વર્ષ માટેની જિમ મેમ્બરશિપ આપવામાં આવતી હતી. આ સ્કીમ પૂર્ણ થયા બાદ જિમના માલિક વિજય સેંગર પોતાના બીજા એક નવા બિઝનેસ પ્રોજેક્ટના અગત્યના કામકાજ અર્થે બે મહિના માટે અમદાવાદ બહાર ગયા હતા. જિમના દૈનિક વહીવટમાં કોઈ તકલીફ ન પડે તે માટે તેમણે જિમના સેન્ટર હેડ જૈનિશ શુક્લા અને બ્રાન્ચ મેનેજર મનીષ શર્માને સમગ્ર સંચાલન સોંપ્યું હતું. જોકે, માલિકની ગેરહાજરીનો આ બંને કર્મચારીઓએ બંધ થઈ ગયેલી 10 વર્ષ વાળી ઓફરને ગેરકાયદે રીતે ચાલુ જ રાખી ગ્રાહકો પાસેથી મોટા પ્રમાણમાં રોકડ રકમ મેળવી લીધી હતી. જૈનિશ શુક્લાએ પોતાની પત્ની ભારતી શુક્લા સાથે મળીને જિમ લોન્જમાં પોતે ભાગીદાર હોવાનો એક બોગસ કરાર પણ તૈયાર કરાવ્યો હતો. ત્રણેય જણાએ ભેગા મળીને રૂ.1.66 કરોડ સગેવગે કરી લીધા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક