મીનલવાવ ચોકમાં રમતા અઢી વર્ષના બાળકને કારે અડફેટે લીધું : સારવાર દરમિયાન મૃત્યુ , કારચાલક સામે ગુનો
વીરપુર,
તા. 27 : યાત્રાધામ વીરપુરના મિનલવાવ ચોક વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતમાં અઢી વર્ષના
માસૂમ બાળકનું મૃત્યુ નીપજતાં અરેરાટી ફેલાઈ હતી. પરિવાર સાથે ચોકમાં બેઠેલા બાળકને
કારચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી અડફેટે લેતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન
બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.
મૃતક બાળકના પિતા મેહુલભાઈ ભુરાભાઈ રાઠવા વીરપુર
પોલીસ સ્ટેશન સામે ઝૂંપડામાં પરિવાર સાથે રહે છે અને મજૂરી તથા શાકભાજીના વેપારથી ગુજરાન
ચલાવે છે. તા. 26 સપ્ટેમ્બરે સાંજે તેઓ પરિવાર સાથે મીનલવાવ ચોકમાં અંકિત ગેસ્ટ હાઉસ
સામે બેઠા હતા. દરમિયાન મેહુલભાઈ થોડા સમય માટે દૂર ગયા હતા અને તેમનો અઢી વર્ષનો પુત્ર
મિહિત માતા પુષ્પાબેન પાસે રમી રહ્યો હતો. તે સમયે ટોયોટા કારના ચાલકે ગફલતભરી રીતે
કાર હંકારી મિહિતને અડફેટે લીધો હતો.
અકસમાત
બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા. કારચાલકને પૂછતાં તેણે પોતાનું નામ દીપેશભાઈ અને
ઉપલેટા ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું. ઈજાગ્રસ્ત મિહિતને તાત્કાલિક વીરપુર સિવિલ
હોસ્પિટલ લઈ જવાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે ગોંડલની ક્રિષ્ના હોસ્પિટલ અને ત્યારબાદ
સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે ફરજ પરના તબીબે તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો.
બનાવ
અંગે પિતા મેહુલભાઈએ વીરપુર પોલીસ મથકે કારચાલક દીપેશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પોલીસે બેદરકારીથી વાહન ચલાવી અકસ્માત સર્જવા અંગેની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ
તપાસ હાથ ધરી છે.