10 વર્ષ બાદ રવિવારે બેન્કો ખૂલી રહી, સાત મોટાં સંગઠનો હડતાળમાં જોડાશે
નવી દિલ્હી, તા. 27 ઃ એક સપ્તાહમાં પાંચ દિવસ કામ સહિત માંગો સાથે બેન્ક કર્મચારીઓ હડતાળ પર જઇ રહ્યા હોવાનાં કારણે આવતીકાલ સોમવારથી ત્રણ દિવસ એટલે કે, બુધવાર સુધી સરકારી બેન્કો બંધ રહેશે.
દરમ્યાન, સરકારના નિર્દેશ મુજબ, આજે રવિવારની રજા હોવા છતાં સરકારી બેન્કો ખુલ્લી રહી હોવાથી લોકો આળસ છોડીને કામો આટોપવા માટે બેન્કોની વાટ પકડી હતી.
રવિવારની રજામાં પણ બેન્કો ખૂલી હોય તેવી ઘટના 10 વર્ષ
બાદ બની હતી. અગાઉ 2016માં નોટબંધી બાદ 14મી નવેમ્બરનાં રવિવારે બેન્કો ખૂલી રહી હતી.
તે વખતે 500 અને એક હજારની જૂની નોટો બદલવા, જમા કરવા અને રોકડ ઉપાડવા માટે લોકો બેન્કો બહાર કતારોમાં ઊભા હતા.
નાણાકીય સેવા વિભાગ, ઇંડિયન બેન્કસ એસોસિયેશન અને બેન્ક વ્યવસ્થાપક તંત્રની હડતાળ ટાળવાની અપીલ યુનિયનોએ ઠુકરાવી દીધી હતી.
હડતાળમાં દેશનાં સાત મોટાં બેન્ક સંગઠનો સામેલ થશે, જેમાં લગભગ 90 ટકાથી
વધુ બેન્ક કર્મચારી જોડાશે.
યુનિયનોએ કહ્યું હતું કે, સરકાર પાંચ દિવસ કામના સપ્તાહની કોઇ પાકી તારીખ નહીં આપે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન જારી રહેશે.