સી.બી.આઈ, આર.બી.આઈ અને સુપ્રીમ કોર્ટના નામે ધમકી આપી 15 દિવસ સુધી નજરકેદ જેવો ભય ઊભો કર્યો, મની લોન્ડારિંગ અને ટેરર ફાંડિંગમાં ફસાવવાની ધમકી આપી નાણાં પડાવ્યાં
જામનગર,
તા.14: જામનગરમાં સાયબર ઠગબાજોએ સરકારી તપાસ એજન્સીઓના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી
63 વર્ષના નિવૃત્ત બેંક કર્મચારીને ડિજીટલ અરેસ્ટનો ભય બતાવી રૂ.42.25 લાખની છેતરાપિંડી
આચરી છે. આધારકાર્ડનો દુરુપયોગ કરી ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવામાં આવી હોવાની વાત કરી
મની લોન્ડારિંગ અને ટેરર ફાંડિંગ જેવા ગંભીર ગુનામાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી
હતી. આશરે 15 દિવસ સુધી સતત ફોન અને વોટ્સએપ કોલ દ્વારા માનસિક દબાણ ઊભું કરી અલગ-અલગ
બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવ્યાં હતાં.
આ અંગે
જામનગરના કિસાન ચોક વિસ્તારમાં દ્વારકાપુરી મંદિર સામે રહેતા અને વર્ષ 2018માં બેંકની
નોકરીમાંથી નિવૃત્ત થયેલા જયેશ પરશોત્તમભાઈ ઓઝાએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ
નોંધાવી છે.
ફરિયાદ
મુજબ, ગત 10 ઓક્ટોબરના રોજ અજાણ્યા શખસનો ફોન આવ્યો હતો. ત્યારબાદ વોટ્સએપ કોલ કરી
એક શખસે પોતાની ઓળખ ડેટા પ્રોટેક્શન બોર્ડ ઓફ ઇન્ડિયાના અધિકારી રાહુલ કુલકર્ણી તરીકે
આપી હતી. ફરિયાદીના આધારકાર્ડનો ઉપયોગ કરી સીમકાર્ડ મેળવાયું હોવાનું અને તેના માધ્યમથી
વાંધાજનક ફોટા-વીડિયો તથા ગેરકાયદે જાહેરાતો મોકલવામાં આવી હોવાનું કહી તેમને ગંભીર
ગુનામાં સંડોવાયેલા હોવાની ધમકી આપી હતી.
ઠગબાજોએ
મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનમાં તેમની સામે તપાસ ચાલી રહી હોવાનું જણાવી કોઈને જાણ
નહીં કરવાની સૂચના આપી હતી. અન્યથા નેશનલ સિક્યુરિટીનો ભંગ ગણાવી ધરપકડ કરવાની ધમકી
આપી હતી. ત્યારબાદ સીબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને સુપ્રીમ કોર્ટના નામે ખોટા દસ્તાવેજો
તથા નોટિસો મોકલી વિશ્વાસમાં લીધા હતા.
પોતે
નિર્દોષ હોવાનું સાબિત કરવા બેંકમાં રહેલી રકમ તપાસ માટે ટ્રાન્સફર કરવી પડશે અને તપાસ
પૂર્ણ થયા બાદ પરત મળી જશે તેવી ખાતરી આપી હતી. આ રીતે અલગ-અલગ તબક્કે રૂ.3.15 લાખ,
રૂ.10 લાખ અને રૂ.17 લાખ સહિત કુલ રૂ.42.25 લાખ વિવિધ બેંક ખાતાઓમાં જમા કરાવડાવ્યા
હતા.
આખરે
શંકા જતાં જયેશભાઈએ પરિવારજનોને જાણ કરી હતી અને સમગ્ર મામલો સાયબર ક્રાઇમ પોલીસ સુધી
પહોંચ્યો હતો. પોલીસે ગુનો નોંધી નાણાકીય વ્યવહારોની વિગતોના આધારે ઠગ ટોળકીની શોધખોળ
શરૂ કરી છે.