• રવિવાર, 15 નવેમ્બર, 2026

ભારત અંડર-19 એશિયા કપ વિજેતા : પાકિસ્તાન સામે રોમાંચક જીત

જામનગરમાં ટ્રેનીગ લેનાર મોહિત ઉલવાએ પાકિસ્તાન પાસેથી જીત આંચકી લીધી : મનાલ ચૌહાણની મહેનત પણ રંગ લાવી, રાયચંદાનીની 80 રનની કેપ્ટન ઇનિંગ

 

નવી દિલ્હી, તા.14: પાકિસ્તાને આપેલા 338 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે અંતિમ બોલ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં 50 ઓવરમાં 9 વિકેટે 339 રન બનાવીને ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે.

ભારતીય ઈનિંગની શરૂઆતમાં ઓપનર આર્યવીર સેહવાગ (61 બોલમાં 58 રન) અને કેપ્ટન લક્ષ્ય રાજેશ રાયચંદાનીએ (101 બોલમાં 80 રન) પ્રથમ વિકેટ માટે 17.3 ઓવરમાં 95 રનની મજબૂત પરંતુ ધીમી ભાગીદારી નોંધાવી હતી. જોકે, સેહવાગના આઉટ થયા બાદ મિડલ ઓર્ડર લથડ્યો હતો. વીકે વિનીત (24), અન્વય દ્રવિડ (19) અને અર્જુન રાજપૂત (16) મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. પાકિસ્તાની બોલર અલી રઝાએ સતત બે બોલમાં કેપ્ટન લક્ષ્ય અને અન્વય દ્રવિડને આઉટ કરતા ભારતની હાર નિશ્ચિત જણાતી હતી.

43મી ઓવરના અંતે ભારતનો સ્કોર 8 વિકેટે 259 રન હતો અને જરૂરી રનરેટ 11.28 પર પહોંચ્યો હતો. આ કપરા સંજોગોમાં મનાલ ચૌહાણ (32 બોલમાં 47 રન, 3 ચોગ્ગા, 3 છગ્ગા) અને મોહિત ઉલવાએ બાજી પલટી નાખી હતી. બંનેએ 44મી ઓવરમાં 19 રન અને 45મી ઓવરમાં 13 રન કરીને પાકિસ્તાન પર દબાણ બનાવ્યું હતું.

48મી ઓવરમાં નકાબ શફીકે મનાલ ચૌહાણને આઉટ કરતા મેચ ફરી ફસાયો હતો, પરંતુ અંતિમ બેટ્સમેન ચિગુરુપતિ વેંકટે (8 બોલમાં અણનમ 11 રન) આવતાની સાથે જ ચોગ્ગો ફટકારી મોહિતનો બખૂબી સાથ આપ્યો હતો. 9 વિકેટ ગુમાવીને હારની અણી પર ઉભેલી ટીમ ઈન્ડિયાને દસમા નંબરના બેટ્સમેન મોહિત ઉલવાએ પોતાની કરિશ્માઈ ઈનિંગથી ચેમ્પિયન બનાવી દીધી. મોહિતે માત્ર 26 બોલમાં 5 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગાની મદદથી અણનમ 49 રન ફટકારી અંતિમ બોલ પર ચોગ્ગો લગાવીને ભારતને 1 વિકેટે અવિશ્વસનીય વિજય અપાવ્યો હતો.

નોંધનીય છે કે, મોહિતની ક્રિકેટ સફર તેના ગામમાં ટેનિસ બોલથી રમતા શરૂ થઈ હતી. મોહિતની પ્રતિભાને તેના પિતાએ ઓળખી અને તેને યોગ્ય તાલીમ માટે પ્રોત્સાહિત કર્યો. ત્યારબાદ મોહિતે જામનગરના ક્રિકેટ બંગલા ખાતે રવિન્દ્ર જાડેજાના કોચ મહેન્દ્રાસિંહ ચૌહાણ પાસે તાલીમ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

-------------

રાજકોટના આર્યનનો વિજયી સફરમાં સિંહફાળો

રાજકોટ, તા.14: રાજકોટના ઓલરાઉન્ડર આર્યન સાવસાણીએ ભારતની અંડર-19 એશિયા કપની સફરમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ફાઇનલ જેવા હાઈ-વોલ્ટેજ મુકાબલામાં આર્યને અત્યંત શિસ્તબદ્ધ બાલિંગનું પ્રદર્શન કરી 7 ઓવરમાં 36 રન આપ્યા હતા. આ પહેલા અફઘાનિસ્તાન સામે પણ બે વિકેટ લઈ ધારદાર બાલિંગ કરી હતી. ટંકારાના કલ્યાણપુર ગામના વતની આર્યન સાવસાણીનો પરિવાર હાલ રાજકોટના સાધુ વાસવાણી રોડ પર નિવાસ કરે છે. બાલ ભવનની ક્રિકેટ એકેડમીમાં તાલીમ લઈ રહ્યો છે. આર્યનના પિતા દિનેશભાઈ ખાનપરની હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. તેમણે ફૂલછાબ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આર્યન રોજ 8 કલાક મહેનત કરે છે. તે 9 વર્ષનો હતો ત્યારથી સતત પ્રેક્ટિસ કરે છે. ભારતીય ટીમમાં પહોંચતા હજી તેણે બે અઢી વર્ષનો સમય લગશે, તેનું સિલેક્શન કુચ બિહાર ટ્રોફીના પ્રદર્શન મુજબ થશે.

તેમણે ઉમેર્યું કે, આર્યન ઓલરાઉન્ડર છે, મારા મત મુજબ તેનું બાટિંગ પાસું મને વધુ ગમે છે. પણ પ્રોપર બાટિંગ માટે ટીમમાં યોગ્ય જગ્યા નથી થતી. અમે તેના કરતાં મોટી ઉંમરના પ્લેયર સાથે રમાડી તૈયારી કરાવી છે. તેણે અંડર 12માં સ્કોડાની સિંગલ વિકેટ ટુર્નામેંટ જીતી હતી. તેને બેંગલોર ટ્રાનિંગ માટે મોકલાયો હતો અને વીવી એસ લક્ષ્મણ પાસે તાલીમ લીધી હતી. ત્યારબાદ તેનું અંડર19માં સિલેક્શન થયું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક