એર ટ્રાફિક કંટ્રોલની સંચાર પ્રણાલીમાં ખોટકાથી અંધાધૂંધી: લાખો મુસાફરો હેરાન-પરેશાન
નવી
દિલ્હી, તા.14: એર ટ્રાફિક કંટ્રોલ(એટીસી)ની સંચાર વ્યવસ્થામાં સર્જાયેલા ખોટકાનાં
કારણે અમેરિકાનાં તમામ એરપોર્ટ ઉપરથી વિમાનોની ઉડાન ઉપર રોક મૂકી દેવામાં આવતાં હજારો
વિમાન અને તેનાં લાખો મુસાફરો અટવાઈ ગયા હતાં. ઓચિંતા હવાઈ પરિવહન રોકી દેવામાં આવતાં
ભારે અફરાતફરી અને અંધાધૂંધીનો માહોલ સર્જાઈ ગયો હતો. આશરે ચારેક કલાક સુધી થંભી ગયેલા
8000 જેટલા વિમાનોનાં કારણે અમેરિકામાં હવાઈ પરિવહન સદંતર ઠપ થઈ ગયું હતું અને યાત્રીઓને
ભારે હાડમારી વેંઠવાનો વારો આવ્યો હતો. જો કે ત્યારબાદ એટીસીની સંચાર પ્રણાલીમાં સમસ્યા
ઉકેલાઈ જતાં વિમાનોને ફરીથી ઉડાનની છૂટ આપી દેવામાં આવી હતી.
ફ્લાઈટ
ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટ અવેરનાં અહેવાલ અનુસાર આ સમસ્યાનાં કારણે આશરે 8 હજાર જેટલા
વિમાનોમાં વિલંબ થયો અથવા તો તેની ઉડાન રદ કરી દેવી પડી હતી. અમેરિકી ફેડરલ એવિએશન
એડમિનિસ્ટ્રેશન(એફએએ)નાં જણાવ્યા અનુસાર દેશભરમાં એટીસી વચ્ચે સંચાર વ્યવસ્થામાં ખોટકો
સર્જાયો હતો. જેના હિસાબે મુસાફરોની સલામતીને ધ્યાને રાખીને તમામ ઉડાનો અટકાવી દેવાનો
મોટો ફેંસલો કરવો પડયો હતો.
અમેરિકી
પરિવહન મંત્રી સીન ડફીએ જણાવ્યું હતું કે, એફએએનાં ટેકનિકલ નિષ્ણાતો હાલ સમસ્યાની તપાસ
કરી રહ્યાં છે અને ઉડાનો અટકાવવાનો જે આદેશ આપવામાં આવ્યો હતો તેમાં હવામાં ઉડતા વિમાનોને
ઉતરવાની અનુમતિ હતી પણ એરપોર્ટ ઉપરથી નવી ઉડાનને મંજૂરી આપવામાં આવી નહોતી.
અમેરિકાનાં
હોમલેંડ સિક્યોરિટી મંત્રી માર્કવેન મુલિને જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઈ મોટા સાઈબર
હુમલાનાં પુરાવા મળ્યાં નથી. તેમાં સંચાર વ્યવસ્થામાં આવેલી ટેકનિકલ ખરાબી ધ્યાને આવી
છે. દેશનાં એટીસી અને ટર્મિનલ રડાર એપ્રોચ કંટ્રોલ હવે કાર્યરત થઈ ગયા છે. જો કે ઉડાનોને
છૂટ આપી દેવામાં આવ્યા બાદ તમા તમામ વિમાનો તુરંત ઉડવા લાગ્યા એવું પણ નહોતું. ફ્લાઈટ
સામાન્ય થતાં હજી ઘણો સમય લાગી શકે એમ છે.
છેલ્લે
અમેરિકામાં 2001માં 9/11નાં આતંકવાદી હુમલા વખતે તમામ ઉડાનો ઉપર રોક મૂકવામાં આવી હતી.
ત્યારબાદ 2023માં પણ એફએએની કોમ્પ્યુટર સિસ્ટમમાં સમસ્યાનાં કારણે ઉડાનો અટકાવાઈ હતી.