રાવલાપિંડી, તા.13: રાવલાપિંડી ક્રિકેટ સ્ટેડિયમ
ખાતે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ અંતે રોમાંચક ડ્રોમાં પરિણમી
છે. પ્રથમ ઇનિંગ્સમાં પાકિસ્તાનના 434/9 (ડિકલેર) સામે શ્રીલંકાએ ધનંજય ડી સિલ્વા (167)
અને કેપ્ટન કુસલ મેન્ડિસ (119)ની સદીઓની મદદથી 446 રન બનાવી 12 રનની મહત્ત્વપૂર્ણ સરસાઈ
મેળવી હતી.
ચોથા
દિવસે વરસાદ અને ખરાબ હવામાનને કારણે ત્રીજા સત્રની રમત શક્ય બની નહોતી અને પાકિસ્તાને
દિવસના અંતે 1 વિકેટે 57 રન બનાવ્યા હતા. પાંચમા અને અંતિમ દિવસે શ્રીલંકન બોલરોએ સવારના
સત્રમાં જ 4 વિકેટો ઝડપી યજમાન ટીમ પર દબાણ વધાર્યું હતું અને લંચ સમયે પાકિસ્તાનની
સરસાઈ માત્ર 139 રનની હતી. એક તબક્કે શ્રીલંકા ઐતિહાસિક વિજય તરફ આગળ વધી રહ્યું હોય
તેવું જણાતું હતું.
જોકે, આ કપરી પરિસ્થિતિમાં સઉદ શકીલ પાકિસ્તાન માટે
સંકટમોચક બનીને ઊભો રહ્યો. બાબર આઝમે (34) આક્રમક શોટ્સ ફટકારી થોડો સમય પસાર કર્યો,
જ્યારે શકીલે 210 બોલમાં 97 રનની ઇનિંગ રમી શ્રીલંકાની જીતની આશાઓ પર પાણી ફેરવી દીધું.
તેને વિકેટકીપર ગાઝી ઘોરીનો (35) સારો સાથ મળ્યો હતો. પાકિસ્તાને બીજી ઇનિંગ્સમાં
8 વિકેટે 284 રન બનાવ્યા ત્યાં સુધીમાં દિવસની રમત પૂરી થતા મેચ ડ્રો જાહેર કરવામાં
આવી હતી.