ગત
વર્ષે ફાઇનલમાં મળેલી 151 રનની હાર અને આ વખતના લીગ તબક્કાના પરાજયનો હિસાબ ચૂકતે કરવાની
તક
નવી દિલ્હી, તા.13: ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે
અલ અમીરાત ખાતે અંડર-19 એશિયા કપ ફાઇનલ મેચ રમાશે. ગત વર્ષે ફાઇનલમાં મળેલી 151 રનની
હાર અને આ વખતના લીગ તબક્કાના પરાજયનો હિસાબ ચૂકતે કરવાની ભારત પાસે સુવર્ણ તક છે.
આ મહામુકાબલામાં ભારતની સૌથી મોટી આશા ટૂર્નામેન્ટના
ટોપ સ્કોરર આર્યવીર સેહવાગ અને ઝડપી બોલર ઈશાન સૂદ પર ટકેલી છે. આર્યવીરે ચાર મેચમાં
101ની સરેરાશથી એક સદી અને બે અડધી સદી સાથે 303 રન ફટકાર્યા છે. બીજી તરફ, ઈશાન સૂદે
4 મેચમાં 11 વિકેટ ઝડપી ભારતીય બાલિંગ આક્રમણની કમાન સંભાળી છે. જોકે, કેપ્ટન લક્ષ્ય
રાયચંદાની (સેમિફાઇનલમાં 93 રન), અર્જુન રાજપૂત (પાકિસ્તાન સામે સદી), અન્વય દ્રવિડ
અને વી.કે. વિનીત પાસેથી ફાઇનલમાં વધુ સાતત્યપૂર્ણ બાટિંગની અપેક્ષા રહેશે. બાલિંગમાં
સૂદને સ્પિનર રાજપૂત અને મનલ ચૌહાણ (5-5 વિકેટ)ના વધુ સહયોગની જરૂર પડશે.
જ્યારે
સામે પક્ષે પાકિસ્તાન પાસે ઉસ્માન ખાન (238 રન) અને ભારત સામે લીગ મેચમાં સદી ફટકારનાર
હમઝા ઝહૂર જેવા ફોર્મમાં રહેલા બેટ્સમેનો છે. બાલિંગમાં રિઝવાનુલ્લાહ (11 વિકેટ), મોહમ્મદ
સૈયમ (8 વિકેટ) અને અલી રઝા (6 વિકેટ) ભારતીય બેટ્સમેનોની કસોટી કરશે. બંને કટ્ટર હરીફો
વચ્ચેનો આ ખિતાબી જંગ રોમાંચક બની રહેશે.