• સોમવાર, 16 નવેમ્બર, 2026

મોરબીમાં ઇન્સ્ટાગ્રામની મિત્રતા બાદ પરિણીત યુવાન સાથે બ્લેકમેઇલિંગ

મેરેજ એનિવર્સરીના મેસેજથી સંપર્ક કરી યુવતી અને મળતિયાઓએ સમાધાનનાં નામે રૂ.12 લાખ માગ્યા હતા : ચાર આરોપી ઝડપાયા, એકની શોધખોળ

મોરબી, તા.15 : મોરબીના આલાપ રોડ વિસ્તારમાં રહેતા એક પરિણીત યુવાનને ઇન્સ્ટાગ્રામ પર મેરેજ એનિવર્સરીનો મેસેજ મોકલી યુવતીએ સંપર્ક કર્યો હતો. ત્યારબાદ મિત્રતા કેળવી હોટેલમાં મળવા બોલાવ્યા બાદ યુવતીના મળતિયાઓએ યુવાનને બ્લેકમેઇલ કરી સમાધાનનાં નામે રૂ.12 લાખની માગણી કરી હોવાની ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસે આ મામલે ચાર આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે એક આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે.

મોરબીના રવાપર રોડ પર ભંભોડીની વાડી, આલાપ રોડ વિસ્તારમાં રહેતા નરેશભાઈ ચુનીલાલભાઈ નકુમ (ઉં.વ.22)એ કિશન ઉર્ફે રાજુ મુછડિયા, તેજસ પઢારિયા, ભાવેશ કણઝારિયા, ભીમજી પરમાર અને કાજલ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ તા.2 નવેમ્બરે મેરેજ એનિવર્સરીના મેસેજથી કાજલ સાથે ઇન્સ્ટાગ્રામ પર વાતચીત શરૂ થઈ હતી. બાદમાં યુવતીએ યુવાનને હોટેલમાં મળવા બોલાવ્યો હતો. ત્યારબાદ યુવતીના ભાઈ સહિતના શખસોએ યુવતી સાથે વાતચીત કરી હોવાનું કહી સમાધાન પેટે રૂ.50 લાખની માંગણી કરી હતી. અંતે રૂ.12 લાખ આપવાનું નક્કી કરી ધમકીઓ આપી નાણાંની ઉઘરાણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે. આ મામલે પોલીસે કિશન ઉર્ફે રાજુ, તેજસ, ભીમજી અને કાજલની ધરપકડ કરી છે, જ્યારે ભાવેશ કણઝારીયાને ઝડપી લેવા તપાસ ચાલુ રાખી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક