• સોમવાર, 16 નવેમ્બર, 2026

બોટાદમાં આઈસરની ટક્કરે બાઈકચાલક યુવક ગંભીર

સમઢીયાળા નજીક બડિયાનગર પાસે અકસ્માત: ચહેરા અને માથામાં ફ્રેક્ચર, નવ દિવસ બાદ આઈસરચાલક સામે ફરિયાદ

બોટાદ, તા.15:બોટાદના સમઢીયાળા ગામે બડિયાનગર પાસે આઈસર અને મોટરસાઈકલ વચ્ચે અકસ્માત સર્જાતાં 28 વર્ષીય યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. યુવકના માથા અને ચહેરા પર ગંભીર ઈજાઓ સાથે ફ્રેક્ચર થતાં હાલ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં સારવાર ચાલી રહી છે. અકસ્માતના નવ દિવસ બાદ આઈસરચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે લાખાભાઈ રામાભાઈ ભુંડિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પુત્ર વિજયભાઈ ગત તા. 5 નવેમ્બરના રોજ સાંજે પાંચ વાગ્યે મોટરસાઈકલ લઈને ઘનશ્યામ પીવીસી પાઈપના કારખાને જઈ રહ્યા હતા. દરમિયાન બડિયાનગરથી આગળ વળાંક પાસે આઈસરચાલક રાહુલભાઈ કાળુભાઈ ભુંડિયાએ પૂરઝડપે અને બેદરકારીથી વાહન હંકારી બાઈકને જોરદાર ટક્કર મારી હતી.

અકસ્મતમાં ગંભીર રીતે ઘવાયેલા વિજયભાઈને પ્રથમ બોટાદ અને ત્યારબાદ ભાવનગરની મેરુ નર્સિંગ હોસ્પિટલમાં સાત દિવસ સારવાર આપવામાં આવી હતી. જોકે, સ્થિતિમાં સુધારો ન થતાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.

આઈસરચાલક કુટુંબી સગો હોવાથી શરૂઆતમાં સારવારનો ખર્ચ આપવાની વાત કરી હતી. જેથી ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આખરે બોટાદ રૂરલ પોલીસે આઈસરચાલક સામે ભારતીય ન્યાય સંહિતા અને મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક