• સોમવાર, 16 નવેમ્બર, 2026

નિવૃત્ત મહિલા કર્મચારીના મકાનમાંથી 5.62 લાખના દાગીના-રોકડની ચોરી

વડોદરામાં તહેવાર અને શોકના પ્રસંગનો લાભ લઈ તસ્કરોનો તરખાટ, અન્ય બે સ્થળે પણ હાથફેરો

વડોદરા, તા.15 : શહેરમાં ચોરીની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. તસ્કરોએ બંધ મકાનો અને દુકાનોને નિશાન બનાવી એક પછી એક ચોરીને અંજામ આપ્યો હતો. વારસિયા પોલીસ મથકના હદ વિસ્તારમાં નિવૃત્ત મહિલા કર્મચારીના મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ સહિત રૂ.5.62 લાખની મતા ચોરી કરવામાં આવી હતી. ઉપરાંત અન્ય બે સ્થળેથી પણ ચોરીની ઘટનાઓ સામે આવી છે.

ન્યુ વીઆઇપી રોડ પર આવેલી ગોરાના પાર્ક સોસાયટીમાં રહેતાં 63 વર્ષીય જયશ્રીબેન ઇજ્જતરામ મહંત જીઇબીમાંથી નિવૃત્ત થયા છે. તેમના ભાભીનું હાલોલની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થતાં તેઓ અંતિમવિધિ માટે આજવા રોડની સેવાકુંજ સોસાયટીમાં ગયા હતા. દરમિયાન તેમના મકાનના ઉપરના માળે ભાડેથી રહેતા રાજુભાઈ પણ દિવાળીના તહેવાર નિમિત્તે વતન મહીસાગર ગયા હતા. મકાન બંધ હોવાનો લાભ લઈ તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને સોનાના દાગીના તથા રૂ.30 હજાર રોકડ મળી કુલ રૂ.5.62 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

બીજી ઘટનામાં પ્રતાપનગરના સિંધવાઈ માતા રોડ પર જી.એમ. હકીમની ચાલીમાં રહેતાં કપિલાબેન નવઘણભાઈ વસાવાના બંધ મકાનનાં તાળાં તોડી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂ.1.68 લાખની મતા ચોરી ગયા હતા. જ્યારે જાંબુવા બાયપાસ પાસે વુડાના મકાનમાં રહેતાં અનિતા અશોકભાઈ વણજારાની નાસ્તાની લારીમાંથી ગેસના બે બોટલ અને બેટરી

મળી રૂ.10 હજારની ચોરી થઈ હતી.

ત્રણેય બનાવોને પગલે પોલીસ તપાસમાં જોતરાઈ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક