• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

મોરબીમાં વ્યાજખોરોએ યુવાનની લક્ઝરીયસ કાર પડાવી લીધી વ્યાજ કેમ નથી ચૂકવતો તેમ કહી મારી નાખવાની ધમકી આપી

મોરબી, તા.14: મોરબીમાં રહેતા યુવાને ધંધામાં પૈસાની જરૂર પડતા વ્યાજે પૈસા લીધા બાદ વ્યાજના વ્યાજખોરોએ યુવાન પાસે બળજબરીથી વ્યાજની ઉઘરાણી કરી કોરા ચેક સહી કરાવી બાદમાં લક્ઝરીયસ કાર પડાવી લઈ ગયા હોવાની ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસમાં નોંધાઈ છે.

મોરબીના આલાપ રોડ પર અંજલિ પાર્કમાં રહેતા રવિરાજભાઈ જગદીશભાઈ દેત્રોજાને ધંધામાં રૂપિયાની જરૂર પડતા અઢી મહિના પહેલા ભૂપતભાઈ જારિયા (રહે.આનંદનગર, મોરબી) પાસેથી કુલ 3 લાખ રૂપિયા તે વ્યાજે લીધા હતા. બાદમાં તેને વ્યાજ કાપીને 2,70,000 આપ્યા હતા અને દર દસ દિવસે એક લાખના 10,000 એમ કુલ 30,000 વ્યાજ આપતા હતા તેમજ કોટક મહિન્દ્રા બેન્કના ચાર સહીવાળા ચેક લઈ નોટરી લખાણ પણ કરાવ્યું હતું. રવિરાજ રેગ્યુલર વ્યાજ ચૂકવતો હોય છતાં પણ વધુ રૂપિયાની માગણી કરી ધમકી આપી હતી.

તેમજ ભૂપત જારિયાને વ્યાજ ચૂકવવા માટે તેને રવિરાજને કહેલું કે, મારા જાણીતા રાજેશ બોરીચા (રહે.ગજડી, તા.મોરબી) પાસેથી પૈસા લઈને વ્યાજ ચૂકવી દે જેથી રાજેશ પાસેથી દોઢેક મહિના 4 લાખ વ્યાજે લીધા હતા અને તેને 3,60,000 વ્યાજ કાપીને રવિરાજને આપ્યા હતા. રાજેશ બોરીચાને દર દસ દિવસે એક લાખના 10,000 એમ કુલ 40,000 વ્યાજ ચૂકવતા હતા. રાજેશે એસબીઆઇનો એક સહીવાળો ચેક લઈ નોટરી લખાણ કરી ધમકી આપી વધુ પૈસાની ઉધરાણી કરતો હતો તેમજ દોઢેક માસ પહેલા ભરતભાઈ કાનજી ચાવડા (રહે.રવાપર ગામ, મોરબી) પાસેથી 5 લાખ રૂપિયા વ્યાજે લીધા અને દર દસ દિવસે 40 હજાર વ્યાજ ચૂકવવાનું કહેલું તો મહિન્દ્રા બેન્કના ચાર સહીવાળા ચેક પણ લીધેલો હતો.

રવિરાજભાઈ પૌસા ન ચૂકવી શકતા પોતાનાં ઘરે વાત કરી હતી. જેથી રવિરાજના પિતા અને દાદાએ ભરતભાઈને બોલાવીને 6,50,000 આપી દીધા હતા અને બાદમાં રવિરાજ પોતાની એમ.જી.હેક્ટર કાર લઈને ગેરેજ પર ગયો ત્યારે વ્યાજ નથી ચૂકવતો તેમ કહીને ગાડી લઈ ગયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે મોરબી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક