• ગુરુવાર, 14 નવેમ્બર, 2024

ટ્રમ્પે પુતિનને કહ્યું, યુદ્ધ રોકો

અમેરિકી મીડિયા અહેવાલોમાં દાવો; જો  કે રશિયાએ કહ્યું, કોઈ વાતચીત થઈ જ નથી

વોશિંગ્ટન, તા. 11 : ચૂંટણી જીત્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પહેલીવાર વાત કરતાં યુક્રેન સાથે યુદ્ધ રોકવા કહ્યું હતું તેવો દાવો અમેરિકી મીડિયાએ કર્યો હતો.

બીજી તરફ રશિયાએ આ દાવાને ફગાવી દેતાં કહ્યું હતું કે,  બે નેતાઓ વચ્ચે આવી કોઈ વાતચીત થઈ જ નથી. આ દાવો પૂર્ણપણે કાલ્પનિક છે.

ક્રેમલિને કહ્યું હતું કે, ટ્રમ્પ અને પુતિન વચ્ચે વાતચીતના અહેવાલ ‘અસત્ય’ છે. પુતિનની હાલતુરત  ટ્રમ્પ સાથે વાત કરવાની કોઈ યોજના નથી.

વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં સૌથી પહેલાં જણાવાયું હતું કે, વાતચીત ગુરુવારે થઈ હતી. ટ્રમ્પે ફ્લોરીડામાં માર-એ-લાગો એસ્ટેટમાંથી રશિયાના રાષ્ટ્રપતિને કોલ કર્યો હતો.

ક્રેમલિનના પ્રવકતા દિમિત્રિ પેરકોવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, અમેરિકી મીડિયાના અહેવાલો ખોટા છે. કોઈ વાત થઈ જ નથી.

અમેરીકાના અખબાર વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ અનુસાર ટ્રમ્પે પુતિનને યુક્રેન સાથે યુદ્ધ રોકી દેવાની સલાહ આપી હતી. અહેવાલ અનુસાર પુતિને ટ્રમ્પને વિજયની વધામણી પણ આપી હતી, પરંતુ રશિયા આ દાવાને ખોટા કહે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક