• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

હિમાચલમાં હિમવર્ષા બાદ 157 માર્ગ બંધ

ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસનાં કારણે 70 જેટલી ટ્રેન રદ

નવી દિલ્હી, તા. 26 : હિમાચલ પ્રદેશમાં થયેલી ભારે હિમવર્ષાનાં કારણે હજી પણ 3 નેશનલ હાઇ વે સહિત 157થી વધારે રસ્તા બંધ છે. સેંકડો પર્યટકો હજી પણ ફસાયેલા છે. તેમજ ઠંડીના કારણે ચારનાં મૃત્યુ થયાના અહેવાલ પણ સામે આવ્યા છે. ભારે હિમવર્ષાનાં કારણે 300થી વધારે વાહનો ફસાયેલા છે. બીજી તરફ ઉત્તર ભારતમાં ભીષણ શરદી અને ધુમ્મસનાં કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું તેમજ 70થી વધારે ટ્રેન રદ થઈ હતી.  ભારતીય રેલવેએ ધુમ્મસનાં કારણે 26મીએ 70 ટ્રેનને રદ કરી દીધી હતી જ્યારે 18 ટ્રેન વિલંબથી ચાલી રહી હતી. રદ કરવામાં આવેલી ટ્રેનમાં ઘણી મહત્વની ટ્રેન પણ સામેલ છે. રેલવે અધિકારીઓએ કહ્યું હતું કે ધુમ્મસની સાથે સાથે ટ્રેક ઉપર સમારકામ પણ એક કારણ છે. આ પરિસ્થિતિમાં યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. હિમાચલની વાત કરવામાં આવે તો હિમાચલમાં હિમવર્ષાનાં કારણે સૌથી વધારે રસ્તા શિમલામાં બંધ થયા છે. હિમાચલ પ્રદેશના મંત્રી વિક્રમાદિત્યસિંહે તમામ કર્મચારીઓને એલર્ટ ઉપર રહેવા કહ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક