• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

ઇન્ડિયા મોરચામાં હવે આપનો કોંગ્રેસ સામે મોરચો

દિલ્હીમાં ચૂંટણી પહેલાં તિરાડ : કેજરીવાલને દેશવિરોધી કહેવાતા આમ આદમી પક્ષ રોષે ભરાયો

ગઠબંધનમાંથી કૉંગ્રેસને બહાર કરવાની આપની ચીમકી

24 કલાકમાં અજય માકન માફી માગે : આપનું અલ્ટિમેટમ

 આનંદ કે. વ્યાસ

નવી દિલ્હી, તા.26 : દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસ અને આમ આદમી પક્ષ વચ્ચે તણાવ વધી ગયો છે. આમ આદમી પક્ષે કૉંગ્રેસને ઇન્ડિ ગઠબંધનમાંથી બહાર કરવાની ચીમકી આપી છે. દિલ્હીનાં મુખ્ય પ્રધાન આતિશી અને આમ આદમી પક્ષના વરિષ્ઠ નેતા સંજય સિંહે આજે પત્રકાર પરિષદ યોજીને કૉંગ્રેસને 24 કલાકનું અલ્ટિમેટમ આપીને અજય માકણ સામે કાર્યવાહી કરવાની વાત જણાવી છે. જો કૉંગ્રેસ કાર્યવાહી નહીં કરે તો આપ નેતાઓ ઇન્ડિ ગઠબંધનના અન્ય નેતાઓ સાથે વાતચીત કરીને કૉંગ્રેસને ગઠબંધનમાંથી બાકાત કરવાની અપીલ કરશે.

આમ આદમી પક્ષનો આરોપ છે કે કૉંગ્રેસ અને ભાજપ સાથે મળીને કામ કરી રહી છે. આપ નેતાઓ કૉંગ્રેસ નેતાઓના સતત નિવેદનોથી નારાજ છે તેમ જ બુધવારે દિલ્હી યુથ કૉંગ્રેસે અરવિંદ કેજરીવાલને દેશવિરોધી ગણાવીને પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી હતી. જેને પગલે આપ નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કૉંગ્રેસ નેતા અજય માકને કેજરીવાલ વિરુદ્ધ આપેલા નિવેદનથી પણ આપ પક્ષ રોષે ભરાયો છે.

ઇન્ડિ ગઠબંધનમાંના બંને પક્ષ આપ અને કૉંગ્રેસે દિલ્હીની ચૂંટણીમાં એકલા હાથે લડવાનો નિર્ણય લીધો છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં યોજાવાની છે.

હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીઓમાં કૉંગ્રેસના ખરાબ પ્રદર્શન બાદ તૃણમૂલ કૉંગ્રેસે કૉંગ્રેસના ઇન્ડિ ગઠબંધનના નેતૃત્વ ઉપર સવાલ કર્યા હતા. મમતા બેનરજીએ ઇન્ડિ ગઠબંધનની આગેવાની કરવાની વાત પણ જણાવી હતી. જેને આપ સહિત ઇન્ડિ ગઠબંધનના અનેક પક્ષનો ટેકો મળ્યો હતો.

દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીએ જણાવ્યું હતું કે કૉંગ્રેસના નેતાઓનાં નિવેદનથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે કૉંગ્રેસે હવે ભાજપ સાથે સાંઠગાંઠ કરી છે. કૉંગ્રેસ નેતા અજય માકણે કેજરીવાલ માટે એન્ટી નેશનલ શબ્દનો પ્રયોગ કર્યો છે. કૉંગ્રેસે કયારેય ભાજપના નેતાઓ વિરુદ્ધ એફઆઇઆર કરી નથી પણ આપના નેતાઓ વિરુદ્ધ કરી  છે.

સંજય સિંહે જણાવ્યું હતું કે દિલ્હીમાં કૉંગ્રેસ ભાજપના પક્ષમાં ઊભી થઇ  છે. કૉંગ્રેસ દરેક એવા કામ કરી રહી છે જેનાથી ભાજપને ફાયદો થાય. અજય માકણ ભાજપની ક્રીપ્ટ વાંચી રહ્યા છે. ભાજપના કહેવા મુજબ કૉંગ્રેસ નેતાઓ આપ પક્ષ ઉપર નિશાન સાધી રહ્યા છે. દિલ્હી લોકસભાની ચૂંટણીમાં ભાજપે સાત બેઠક ઉપર જીત મેળવી હતી. કૉંગ્રેસ અને આપના નેતાઓએ બંને પક્ષના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. સિંહે જણાવ્યું હતું કે કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પક્ષે હરિયાણા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસને શકય એ મદદ કરી હતી. આમ આદમી પક્ષ ચંડીગઢમાં પણ કૉંગ્રેસની સાથે ઊભો રહ્યો હતો અને હવે તમે અમારા નેતાને એન્ટી નેશનલ કહો છો તેમની વિરુદ્ધ યુથ કૉંગ્રેસે એફઆઇઆર નોંધાવી છે.

દિલ્હી યુથ કૉંગ્રેસના અધ્યક્ષ અક્ષય લાકરાએ 25મી ડિસેમ્બરે સાંજે સંસદ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને આરોપ મૂકયો હતો કે આમ આદમી પક્ષ પોતાની યોજનાઓ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો છે તેમ જ લોકો સાથે છેતરપિંડી કરી રહ્યો છે. આપની યોજનાઓની પ્રામાણિકતા ઉપર કૉંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે તેમ જ કૉંગ્રેસે આ મુદ્દે કેજરીવાલ સામે કાયદાકીય કાર્યવાહીની માગ કરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક