સામસામી નારાબાજીથી માહોલ તંગ બન્યો : વિક્ટોરિયા
પોલીસે સ્થિતિ કાબૂમાં લીધી
મેલબોર્ન,
તા.26: ઓસ્ટ્રેલિયામાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમો વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટનાં
આજે પહેલા દિવસે મેલબોર્ન સ્ટેડિયમની બહાર ભારે નાટકીય અને તંગ દૃશ્યો સર્જાયા હતાં.
કેટલાક ખાલિસ્તાન સમર્થકોએ સ્ટેડિયમ બહાર ભારત વિરોધી નારાબાજી કરી હતી અને ખાલિસ્તાનીઓની
આ દેશદ્રોહી હરકતનો કેટલાક ભારતીયોએ ભારત માતાનાં જયકાર સાથે પ્રતિકાર કર્યો હતો. આ
ટકરાવ વધુ ઉગ્ર બને તે પહેલા જ વિક્ટોરિયા પોલીસ ત્યાં હરકતમાં આવી ગઈ હતી અને સ્થિતિને
કાબૂમાં લઈ લીધી હતી.
ખાલિસ્તાન
સમર્થકોએ ભારત અને ઓસ્ટ્રેલિયાનાં મેચ પહેલા સ્ટેડિયમ બહાર ભારત વિરોધી નારાબાજી કરતાં
માહોલ ગરમાઈ ગયો હતો. ખાલિસ્તાનીઓની નાપાક હરકતથી કેટલા ભારતીયોનું લોહી ઉકળી ગયું
હતું અને તેમણે પણ સામે ભારતનાં સમર્થનમાં નારાબાજી કરી હતી અને ખાલિસ્તાનીઓને સજ્જડ
જવાબ આપી દીધો હતો.
આ ઘટનાનાં
મળતા અહેવાલો અનુસાર ખાલિસ્તાનીઓનું એક જૂથ ટિકિટ વિના જ સ્ટેડિયમનાં પરિસરમાં ઘૂસી
આવ્યું હતું અને ખાલિસ્તાની ઝંડા લહેરાવવા સાથે નારાબાજી કરતા હતાં. પોલીસે માહોલ તંગ
બનતા સાથે જ તેમને હટાવવા પડયા હતાં. સોશિયલ મીડિયામાં આ ઘટનાનાં વીડિયો વાયરલ બન્યા
છે અને તેમાં ભારત સમર્થકો ખાલિસ્તાનીઓ સાથે તિરંગો લહેરાવીને ભારત માતાનાં જયકારા
લગાડતા જોવા મળી રહ્યાં છે.