દરિયાઈપટ્ટીનાં
શહેર - ગામ રહ્યાં સજ્જડ બંધ : ખેડૂતો, વેપારીઓ, મુસ્લિમ સમાજ, વિપક્ષનો ટેકો
પોરબંદરવાસીઓનો
એક જ સૂર - ‘સાગરપુત્રોની એકતા સામે સરકારે ઝૂકવું જ પડશે’
વેરાવળ
અને ભીડિયા બંદરના ખારવા, કોળી, માછીમાર સમાજના આગેવાનોએ તંત્રને આવેદન પાઠવ્યું
માંગરોળ
ખારવા સમાજે જૂનાગઢ કલેક્ટરને અને દીવ જિલ્લાના માછીમારોએ કલેક્ટરને આવેદન પાઠવ્યું
રાજકોટ,
તા.26 : જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલયુક્ત પ્રદુષિત પાણી પોરબંદરના દરિયામાં વહાવવાના
પ્રોજેક્ટને રદ કરવાની માગ સાથે ગુજરાત સમસ્ત ખારવા સમાજ દ્વારા સમગ્ર ગુજરાતની દરિયાઈપટ્ટી
પરનાં શહેરોમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું. તેને જબરો પ્રતિસાદ મળ્યો છે અને
માત્ર માછીમાર વિસ્તાર જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાંકાઠાના ગામડાઓ સ્વયંભૂ
બંધ રહ્યાં હતા. એકસાદે પોરબંદરવાસીઓ દ્વારા એવી માગણી થઈ છે કે, ‘જેતપુરના ઝેરી પાણી
દરિયાદેવને ના જોઈએ, ના જોઈએ, ના જ જોઈએ’.
પોરબંદરમાં
માછીમાર વિસ્તારો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી અને તેને જબરો પ્રતિસાદ મળ્યો
છે. બંદર વિસ્તાર ખારવાવાડ સહિત ફિશરીઝ ટર્મિનલ આજુબાજુ અને સુભાષનગર વિસ્તાર સજ્જડ
બંધ રહ્યા હતા. આ પ્રોજેક્ટને રદ કરાવવા માટે આગામી રણનીતિના ભાગરૂપે નવા નવા કાર્યક્રમોનાં
આયોજન કરવાનું એલાન કરાયું હતું. જિલ્લા આમ આદમી પાર્ટીએ રાજ્યપાલને લેખિત રજૂઆત કરીને
આંદોલન ટેકો જાહેર કર્યો હતો. સાગરપુત્રોની સાથે ધરતીપુત્રો પણ બંધમાં જોડાયા હતા અને
તેના લીધે માર્કેટિંગ યાર્ડ ખાતે શાકભાજી, ફળ અને અનાજની હરાજી પણ કરવામાં આવી ન હતી
અને પોરબંદરના માર્કેટિંગ યાર્ડે સજ્જડ બંધ પાળ્યો હતો. પોરબંદર શહેરના અન્ય અનેક વિસ્તારના
વેપારીઓ, મચ્છી માર્કેટ, ચા-પાનની કેબિનો, સોની બજાર તેમજ સુતારવાડા વિસ્તારે સ્વૈચ્છાએ
બંધ પાડીને આંદોલનને ટેકો જાહેર કર્યો હતો. મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ધંધાના વેપાર બંધ
રાખ્યા હતા.
વેરાવળ
અને ભીડિયા બંદરમાં વસતા ખારવા, કોળી માછીમાર સમાજના આગેવાનો અને લોકો દ્વારા તંત્રને
રોષભેર આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં સમગ્ર વિશ્વમાં અને ભારતના કાનૂન પ્રમાણે પ્રદૂષિત
પાણી દરિયામાં છોડી શકાતું નથી. જેથી આ યોજના અટકાવવા માછીમાર સમાજ દ્વારા પ્રધાનમંત્રી,
મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજૂઆત કરી પ્રદુષિત પાણી દરીયામાં નાખવાનું અટકાવવા
માગ કરી છે. કોડિનાર તાબાના દરિયાઈ ખેડૂતો દ્વારા વડાપ્રધાન મોદીને સંબોધીને મામલતદારને
આવેદન પાઠવ્યું હતું.
દીવમાં
જિલ્લાના ખારવા સમાજનાં નેતૃત્વમાં મોટી સંખ્યામાં માછીમારોએ એકઠા થઈને કલેક્ટરને આવેદન
પાઠવ્યું હતું. જેમાં આ મામલે તાત્કાલિક સરકાર દ્વારા હકારાત્મક અને સાગરપુત્રો તેમજ
દરિયાકાંઠાના લોકોનાં હિતમાં નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી હતી. જે અંગે કલેક્ટરે
પણ તમામ પ્રયાસ કરવાની ખાતરી આપી હતી.
માંગરોળ
ખારવા સમાજ સહિતના લોકોએ વડાપ્રધાનને સંબોધીને લોકરોષરૂપી આવેદન જૂનાગઢ જિલ્લા કલેક્ટરને
અપાયું હતું. જેમાં ખારવા સમાજના પટેલ ધનસુખભાઈ પ્રેમજીભાઈ ગોસિયા, વેલજીભાઈ મસાણી
સહિત ખારવા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.