• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

ડેબ્યૂ મેચમાં કોંસ્ટાસની સ્ટ્રોકફૂલ બેટિંગથી ઓસ્ટ્રેલિયાનો સંગીન પ્રારંભ

બોક્સિંગ ડે ટેસ્ટના પ્રારંભે 6 વિકેટે 311 : બુમરાહની 3 વિકેટ : ઓસ્ટ્રેલિયાના ટોપ ઓર્ડરના 4 બેટરની અર્ધસદી : સ્મિથ 68 રને નોટઆઉટ

 

મેલબોર્ન, તા.26: ડેબ્યૂ મેચમાં 19 વર્ષીય પ્રતિભાશાળી ઓપનિંગ બેટર સેમ કોંસ્ટાસના આકર્ષક 60 અને અનુભવી સ્ટીવન સ્મિથના અણનમ 68 રનની મદદથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ચોથા ટેસ્ટના પ્રારંભિક દિવસે ઓસ્ટ્રેલિયાના 6 વિકેટે 311 રન થયા હતા. ભારત તરફથી જસપ્રિત બુમરાહે 3 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાના ટોપ ઓર્ડરના ચાર બેટર્સે ફિફટી કરી હતી. માર્નસ લાબુશેન 72 રને અને ઉસ્માન ખ્વાઝા પ7 રને આઉટ થયા હતા. ભારતે તેની ઇલેવનમાં શુભમન ગિલના સ્થાને સ્પિનર વોશિંગ્ટન સુંદરને સ્થાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયન કેપ્ટન કમિન્સે ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી.

લગભગ 90000 દર્શકોથી ખીચોખીચ એમસીજી પર સેમ કોંસ્ટાસે બુમરાહ સહિતના ભારતીય બોલરોનો બહાદુરીથી સામનો કરીને સ્ટ્રોકફૂલ બેટિંગ કરી હતી. તેણે અદ્ભુત ગ્રાઉન્ડ અને સ્કૂટ શોટ માર્યાં હતા. તેના ઉસ્માન ખ્વાઝા વચ્ચે પહેલી વિકેટમાં 89 રનની ભાગીદારીથી ઓસ્ટ્રેલિયાને સારી શરૂઆત મળી હતી. કોંસ્ટાસ 6પ દડામાં 6 ચોક્કા-2 છક્કાથી 60 રને રવીન્દ્ર જાડેજાના દડામાં એલબીડબ્લ્યૂ આઉટ થયો હતો. આ પછી ખ્વાઝા-લાબુશેન વચ્ચે બીજી વિકેટમાં 6પ રનની ભાગીદારી થઇ હતી. જેને બુમરાહે તોડી હતી. ખ્વાઝા પાંચમીવાર બુમરાહનો શિકાર બન્યો હતો. તેણે 121 દડામાં 6 ચોક્કાથી પ7 રન બનાવ્યા હતા.

સ્મિથ અને લાબુશેન વચ્ચે ત્રીજી વિકેટમાં 83 રન જોડાયા હતા. લાબુશેન સુંદરના દડામાં 72 રને આઉટ થયો હતો. આ પછી બુમરાહ ત્રાટક્યો હતો. બુમરાહે ઓસ્ટ્રેલિયના રનમશીન ટ્રેવિસ હેડને ઝીરોમાં બોલ્ડ કર્યો હતો અને મિચેલ માર્શ (4) વિકેટ લીધી હતી. આથી ઓસ્ટ્રેલિયાએ 9 રનમાં 3 વિકેટ ગુમાવી હતી. આ પછી સ્મિથ અને કેરી વચ્ચે છઠ્ઠી વિકેટમાં પ3 રનની ઉપયોગી ભાગીદારી થઇ હતી. એલેકસ કેરી (31)ની નવા દડામાં આકાશદીપે વિકેટ લીધી હતી.

પહેલા દિવસના અંતે સ્મિથ 111 દડામાં પ ચોકકા-1 છક્કાથી 68 અને કપ્તાન કમિન્સ 8 રને નોટઆઉટ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાના 86 ઓવરમાં 6 વિકેટે 311 રન થયા હતા. બુમરાહને 3 અને રવીન્દ્ર, સુંદર અને આકાશને 1-1 વિકેટ મળી હતી.

 

87242 દર્શકોની ઉપસ્થિતિ

બોક્સિંગ ડે ટેસ્ટના પહેલા દિવસે આજે એમસીજી પર રેકોર્ડબ્રેક 87242 દર્શકો ઉમટી પડયા હતા. જે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના ટેસ્ટ મેચના એક દિવસે સૌથી વધુ દર્શક ઉપસ્થિતની સંખ્યા છે. ચોથા ટેસ્ટના પહેલા દિવસની ટિકિટ બે સપ્તાહ અગાઉ જ વેચાઇ ગઇ હતી. લગભગ 90000 દર્શકોની હાજરીમાં અરધો અરધ દર્શક ભારતીય ચાહકો હતા. મેલબોર્ન સ્ટેડિયમમાં મુંબઇ જેવો માહોલ હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક