• શુક્રવાર, 03 જાન્યુઆરી, 2025

વર્ષાંતે ડંખીલા ઠારથી થરથરતો દેશ

હિમાચલમાં સતત પડતા બરફથી 340 માર્ગ બંધ થતાં હજારો વાહન ફસાયાં : કાશ્મીરમાં મસ્જિદો અને ઘરોમાં શરણ લેતા પ્રવાસીઓ

હિમાચલમાં સતત પડતા બરફથી 340 માર્ગ બંધ થતાં હજારો વાહન ફસાયાં : કાશ્મીરમાં મસ્જિદો અને ઘરોમાં શરણ લેતા પ્રવાસીઓ

નવી દિલ્હી/શ્રીનગર, તા. 30 : દેશભરમાં સતત બદલી રહેલા હવામાનથી જનજીવન બેહાલ થયું છે. હિમાચલમાં સતત પડતી બરફના લીધે 340 માર્ગ બંધ થતાં હજારો વાહનો ફસાયાં છે. કાશ્મીરમાં તાપમાન માઈનસ 10થી 22 ડિગ્રી થતાં પ્રવાસીઓને મસ્જિદો અને ઘરોમાં શરણ લેવી પડી હતી, તો ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ તાપમાનનો પારો નીચે ગગડયો હતો.

એક મીડિયા હેવાલ મુજબ, હિમાચલમાં માર્ગો પર અઢી ફૂટ સુધી બરફ છવાતાં માર્ગો બંધ થયા હતા, જેના લીધે હજારો વાહનો ફસાયાં હતાં. કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. જો કે, તે વચ્ચે પણ બરફનો આનંદ લેવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ હિમાચલ પહોંચી રહ્યા છે.

બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં પણ 1800 જેટલી ગાડીઓ ફસાઈ છે. ગાંદરબલ, સોનમર્ગ, પહલગામ, ગુંડ અને બારામુલા સહિત અનેક જગ્યા પર તાપમાન માઈનસ 10થી 22 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ત્યાં આવેલા પર્યટકોની મદદ માટે સ્થાનિકો આગળ આવ્યા છે અને મસ્જિદો તથા ઘરોમાં શરણ આપી રહ્યા છે. તે ઉપરાંત પ્રવાસીઓ માટે ગરમ વત્રો સાથે ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે. કાતિલ ઠંડીના લીધે કશ્મીર યુનિ.એ પરીક્ષા રદ કરી હતી.

ઉત્તરાખંડના ચમૌલી જિલ્લામાં પણ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે 3000 મીટરથી વધુની ઊંચાઈવાળા પર્વતીય વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.

ઉત્તરપ્રદેશમાં પણ અનેક શહેરોનું તાપમાન નીચે સરક્યું હતું. લખનૌ, વારાણસી અને કાનપુરમાં પારો પાંચ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ધુમ્મસના કારણે દૃષ્ટિશૂન્ય વાતાવરણ છવાયું છે. હાડકાં જમાવતી ઠંડીના લીધે પ્રશાસને ખાનગી અને સરકારી શાળાઓના સમયમાં બદલાવ કરવાના આદેશ આપ્યા છે.

બિહારમાં ધુમ્મસના કારણે આવનજાવનને અસર પહોંચી છે અને જનજીવન બેહાલ બન્યું છે. પટના, ગયા અને દરભંગા જેવા શહેરોમાં સવારે અને રાત્રે ધુમ્મસ છવાઈ જાય છે. આગામી દિવસોમાં ઠંડ અને ધુમ્મસમાં વધારો થવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે.

રાજસ્થાનના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીનો પ્રકોપ જારી છે. આબુમાં પારો શૂન્યથી પણ નીચે સરકી ગયો છે, તો જોધપુર, ઉદયપુર અને જયપુર જેવા શહેરોમાં શીતલહેર જોવા મળી રહી છે.

તે ઉપરાંત મધ્યપ્રદેશના 35 જિલ્લામાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ગ્વાલિયર, જબલપુર અને છિંદવાડા સહિત 33 જિલ્લામાં ધુમ્મસિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો ગુનામાં રાતના ભાગે ઠંડીનો પ્રકોપ ખૂબ વધી ગયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક