નવી દિલ્હી, તા.13: ભારતનાં પૂર્વ
મુખ્ય ન્યાયધીશ (સીજેઆઈ) ડી.વાય. ચંદ્રચૂડે પોતાનાં કાર્યકાળ વિશે ખુલીને વાત કરતાં
અયોધ્યાનાં ચુકાદા પહેલા તેઓ ભગવાન સામે શા માટે બેઠા હતાં તેનો પણ ખુલાસો કર્યો છે.
આ સાથે જ તેમણે ગણેશ પૂજા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનાં ઘરે આવ્યા તે વિશે
પણ પ્રતિક્રિયા આપી હતી.
ઉલ્લેખનીય છે કે, આ મુદ્દે વિપક્ષ
દ્વારા જે તે સમયે ભારે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. હવે એક ઈન્ટરવ્યૂમાં જસ્ટિસ ચંદ્રચૂડે
અયોધ્યાનાં ફેંસલા પહેલા ભગવાન સામે બેસવા અંગે કહ્યું છે કે, જો તમે સોશિયલ મીડિયા
જોઈને જજે કહેલી વાતોને સમજવાનો પ્રયાસ કરશો તો ખોટા જવાબ મળશે. હું ધાર્મિક વ્યક્તિ
છું તેનો કોઈ જ ઈનકાર નથી. આપણાં બંધારણ અનુસાર પણ સ્વતંત્ર જજ હોવા માટે નાસ્તિક હોવું
જરૂરી નથી. મારી આસ્થા મને સાર્વભૌમત્વ શીખવે છે અને જે કોઈપણ મારી અદાલતમાં આવ્યું
તેને નિષ્પક્ષ ન્યાય અપાયો છે. પછી ભલે તે કોઈપણ ધર્મનું કેમ ન હોય. સુપ્રીમ કોર્ટનાં
અન્ય જજોને પણ આવું જ લાગુ પડે છે. તેમણે ગણેશ પૂજા માટે પોતાનાં ઘરે વડાપ્રધાન મોદી
આવ્યા તે વિશે કહ્યું હતું કે, આપણી વ્યવસ્થા એટલી પુખ્ત તો છે જ કે જે સમજી શકે કે
ઉચ્ચ બંધારણીય પદાધિકારીઓ વચ્ચેનાં શિષ્ટાચારને અન્ય બાબતો સાથે કોઈ નિસ્બત નથી હોતી.
વડાપ્રધાન મારા ઘરે આવ્યા પહેલા સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ જેવા ફેંસલા આપેલા
અને તેમના આવ્યા પછી પણ એવું જ થયું છે. ન્યાયપાલિકાની ભૂમિકા લોકતંત્રમાં વિપક્ષની
નથી હોતી.