• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

સત્તામાં ભલે ન હોય, કરોડરજજુ અડગ છે : ખડગે

કોંગ્રેસના 140માં સ્થાપના દિવસ નિમિત્તે પ્રમુખના ભાજપ પર પ્રહાર

નવી દિલ્હી તા.ર8 : કોંગ્રેસના 140મા સ્થાપના દિવસ નિમિત્તે દિલ્હીના ઇન્દિરા ભવન ખાતે પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ઉજવણીને સંબોધતા કહ્યું કે જે લોકો દાવો કરે છે કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે તેમનો સ્પષ્ટ સંદેશ છે કે પાર્ટી ભલે સત્તામાં ન હોય પરંતુ તેની કરોડરજ્જુ અડગ રહે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે ક્યારેય બંધારણ, ધર્મનિરપેક્ષતા કે લોકોના અધિકારો સાથે સમાધાન કર્યું નથી.

ખડગેએ જણાવ્યું હતું કે કોંગ્રેસે ક્યારેય મંદિરો અને મસ્જિદોના નામે મત માંગ્યા નથી કે નફરતની રાજનીતિમાં સામેલ થઈ નથી. ભાજપ સમાજને વિભાજીત કરવાનું કામ કરે છે જ્યારે કોંગ્રેસ તેને એક કરવામાં માને છે. કોંગ્રેસ ધર્મને શ્રદ્ધાનો વિષય માનતી હતી પરંતુ કેટલાક લોકોએ તેને રાજકીય હથિયારમાં ફેરવી નાખ્યું છે.

કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે આજે તેમની પાસે સત્તા છે પણ સત્ય નથી. આ જ કારણ છે કે તેઓ તથ્યો છુપાવે છે. વસ્તી ગણતરી કરાવતા નથી અને બંધારણ બદલવાની વાત કરે છે. કોંગ્રેસ માત્ર એક પક્ષ નથી પરંતુ એક વિચારધારા છે જેનો ક્યારેય નાશ થઈ શકતો નથી. આ લડાઈ સત્તા માટે નથી પરંતુ દેશ અને બંધારણની આત્માને બચાવવા માટે છે. છેલ્લા 11 વર્ષોમાં ભાજપ સરકારે તેના કેટલાક મૂડીવાદી મિત્રોને ફાયદો પહોંચાડવા માટે કાયદા બદલ્યા છે અને મનરેગા, જંગલો અને જમીન જેવા મુદ્દાઓને નબળા પાડ્યા છે. સરકાર સત્ય છુપાવવા માંગે છે તેથી તે વસ્તી ગણતરી કરાવી રહી નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક