શાંતિ માટેની વાતચીત દરમિયાન યુક્રેને પુતિનના આવાસને નિશાન બનાવી 91 ડ્રોન છોડયાનો દાવો : ઝેલેંસ્કીએ આરોપ ફગાવ્યો
મોસ્કો,
તા. 29 : યુદ્ધ વિરામની કવાયતો વચ્ચે રશિયાએ યુક્રેન ઉપર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના
ઘર ઉપર મોટો હુમલો કરવાનો આરોપ મુક્યો છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું
હતું કે, યુક્રેને નોવગોરોડ વિસ્તારમાં રાષ્ટ્રપતિ પુતિનના નિવાસ ઉપર હુમલો કરવાની
કોશિશ કરી હતી. આ માટે મોસ્કો હવે પોતાની વાતચીતની સ્થિતિ અંગે સમીક્ષા કરશે. લાવરોવે
કહ્યું હતું કે, 28-29 ડિસેમ્બરે યુક્રેને રશિયન રાષ્ટ્રપતિના રાજ્ય નિવાસ ઉપર લાંબી
દૂરીના 91 ડ્રોનથી હુમલો કર્યો હતો. જેને રશિયાની વાયુ રક્ષા પ્રણાલીએ પુરી રીતે નષ્ટ
કરી દીધા હતા. વધુમાં કહ્યું હતું કે, રશિયા દ્વારા જવાબી હુમલા માટે લક્ષ્ય પહેલાથી
જ નક્કી કરી લેવાયું છે.
લાવરોવે
ચેતવણી આપી હતી કે આવી બેદકારીભરી કાર્યવાહી જવાબ વિના જવા દેવાશે નહી. આ હુમલાને તેમણે
આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું. લાવરોવે કહ્યું હતું કે આ હુમલો યુક્રેન સાથે સંભવિત
શાંતિ સમજૂતી ઉપર ચાલી રહેલી વાતચીત દરમિયાન થયો છે. હવે રશિયા વાતચીતથી પાછળ હટશે
નહી પણ મોસ્કો પોતાની સ્થિતિની સમીક્ષા કરશે. બીજી તરફ યુક્રેની રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેંસ્કીએ આરોપોને ફગાવ્યા હતા અને કહ્યું હતું
કે મોસ્કો કીવમાં સરકારી ઈમારતોને નિશાન બનાવવા જમીન તૈયાર કરી રહ્યું છે. રશિયાનો
દાવો શાંતિ વાર્તાઓને કમજોર કરવાની કોશિશ છે.