• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

કુલદીપ સેંગરને મુક્ત કરવામાં ન આવે : સુપ્રીમનો આદેશ

હાઇ કોર્ટના આદેશ ઉપર રોક : ઉન્નાવ બળાત્કાર કેસમાં સુનાવણી દરમિયાન આરોપને ગંભીર ગણ્યા

નવી દિલ્હી, તા. 29 : ઉન્નાવ બળાત્કાર કેસમાં આરોપી કુલદીપ સેંગરને સુપ્રીમ કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે પૂર્વ વિધાયક કુલદીપ સેંગરને રાહત આપનારા દિલ્હી હાઇ કોર્ટના ચુકાદા ઉપર રોક મૂકી છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે આરોપ ગંભીર છે. આ અપરાધીને કોઈપણ મામલામાં જામીન મળવા જોઈએ નહીં. સીજેઆઇ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાનીની બેંચે સેંગરના વકીલને નોટિસ મોકલીને બે અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહ્યું છે.  સુપ્રીમ કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી હવે ચાર અઠવાડિયા બાદ થશે. સુપ્રીમ કોર્ટે સુનાવણીની શરૂઆતે જ કહ્યું હતું કે તે હાઇ કોર્ટના આદેશ ઉપર રોક મૂકવાના પક્ષમાં છે અને દલીલો માત્ર સ્ટેના મુદ્દે જ થશે. સુપ્રીમે આગળ કહ્યું હતું કે તે કેસમાં અંતિમ નિર્ણય કરી રહી નથી, જો કે સેંગરને મુક્ત કરવામાં આવશે નહીં. સીજેઆઇએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે સેંગરને ન્યાયપાલિકા તરફથી જ દોષિત ઠેરવવામાં આવ્યો છે. પીડિતાના વકીલે દલીલ કરી હતી કે પીડિત પરિવાર હજી પણ જોખમમાં છે. જેના ઉપર સીજેઆઇએ કહ્યું હતું કે તેઓને અપીલ દાખલ કરવાનો અધિકાર છે. કાનૂની ઉપાય ઉપલબ્ધ છે. વધુમાં ટિપ્પણી કરી હતી કે પોક્સો હેઠળ જો કોન્સ્ટેબલ લોક સેવક હોય શકે તો વિધાયકને અલગ કેમ રાખવામાં આવે ? આ ચિંતાનો વિષય છે.

સુનાવણીમાં તપાસ એજન્સીએ કહ્યું હતું કે, હાઇ કોર્ટ સમજી શકી નથી કે સેંગર વિધાયક હતા અને જનતાના વિશ્વાસના પદ ઉપર હતા. તેવામાં સેંગરની જવાબદારી સામાન્ય નાગરીકથી વધારે રહે છે. આ સ્થિતિમાં તેઓ દોષિત બનવા મોટી બાબત છે. ઉલ્લેખનીય છે કે ઉન્નાવની પીડિતાએ 2017મા ભાજપ નેતા અને તત્કાલીન વિધાયક કુલદીપ સેંગર ઉપર બળાત્કારનો આરોપ મૂક્યો હતો. પોલીસે એફઆઇઆર લેવાનો ઈનકાર કરતા 2018મા સીએમ આવાસે પીડિતાએ આત્મદાહનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તપાસ સીબીઆઇને સોંપવામાં આવી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક