• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

અરવલ્લી મુદ્દે પોતાનાં જ આદેશ ઉપર સુપ્રીમનો સ્ટે

ખનન ઉપર રોક : અરવલ્લી પર્વતમાળાનાં સરવે માટે રચાશે નવી સમિતિ : કેન્દ્ર અને સંબંધિત રાજ્યો પાસેથી માગ્યો જવાબ : પર્યાવરણ સંરક્ષણ અને અવૈધ ખનનનાં જોખમને ધ્યાને રાખીને વૈજ્ઞાનિક પરિભાષા આવશ્યક

નવી દિલ્હી, તા.29: અરવલ્લી પર્વતમાળાની પરિભાષા અને તેનાં હિસાબે પર્યાવરણ સંરક્ષણનો વ્યાપ મર્યાદિત થઈ જવાનાં ખતરાને ધ્યાને રાખતા સુપ્રીમ કોર્ટ દ્વારા આજે પોતાનાં 20 નવેમ્બરનાં પોતાનાં જ આદેશ ઉપર રોક લગાવી દીધી હતી. આ સાથે જ અરવલ્લી પહાડોનાં અધ્યયન અને સર્વે માટે એક નવી સમિતિ બનાવવાનો નિર્દેશ પણ આપ્યો હતો. આ સાથે જ કેન્દ્ર સરકાર અને સંબંધિત રાજ્ય સરકારોને પાસેથી પણ નોટિસ જારી કરીને જવાબ માગવામાં આવ્યો છે. આ મામલે હવે વધુ સુનાવણી 21મી જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.

અરવલ્લી પહાડો અને પર્વતમાળાની વ્યાખ્યા અંગે ઉઠેલા વિવાદો વચ્ચે સુપ્રીમ કોર્ટે સ્વત:સંજ્ઞાન લેતા આજે સુનાવણી હાથ ધરી હતી. દેશનાં પ્રમુખ ન્યાયમૂર્તિ(સીજેઆઈ) સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ સદસ્યની પીઠમાં જસ્ટિસ જે.કે.માહેશ્વરી અને જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જ મસીહ પણ સામેલ છે. આ પીઠે હાલ પોતાનાં 20મી નવેમ્બરનાં આદેશ ઉપર રોક મૂકી દીધી હતી જેમાં અરવલ્લી પહાડો અને પર્વતમાળા(રેન્જ)ની એક સમાન વૈજ્ઞાનિક પરિભાષાને મંજૂરી આપી દેવામાં આવી હતી. આ સાથે જ દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં ફેલાયેલા અરવલ્લી ક્ષેત્રમાં નિષ્ણાત સમિતિનો અહેવાલ આવે ત્યાં સુધી નવા ખનન ઈજારા આપવા ઉપર પણ રોક મૂકાઈ હતી.

સુપ્રીમ કોર્ટે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયની એક સમિતિની ભલામણોને સ્વીકારતા કહ્યું હતું કે, દુનિયાની સૌથી પ્રાચીન પવર્તમાળામાંથી એક અરવલ્લીનાં સંરક્ષણ માટે સ્પષ્ટ અને વૈજ્ઞાનિક પરિભાષા અત્યંત આવશ્યક છે. સમિતિનાં કહેવા અનુસાર અરવલ્લી જિલ્લાઓમાં સ્થિત કોઈપણ ડુંગર જમીનથી 100 મીટર કરતાં વધુ ઉંચો હોય તો તેને અરવલ્લી પહાડ અને પ00 મીટરનાં દાયરામાં સ્થિત આવા બે કે તેનાથી વધુ પહાડોને અરવલ્લી રેન્જની શ્રેણીમાં રાખવામાં આવશે.

અરવલ્લી પહાડોનાં સર્વે માટે નવી સમિતિની રચના અંગે સીજેઆઈએ કહ્યું હતું કે, આનાં ઉપર પુન:વિચાર થવો જોઈએ કે શું 100 મીટરથી ઉંચા પહાડોને જ અરવલ્લીનો હિસ્સો માનવામાં આવે તો અવૈધ ખનન તો ક્યાંક શરૂ નહીં થાય ને? અદાલતે આગળ કહ્યું હતું કે, અરવલ્લીનો જે હિસ્સો નથી તેવા ક્ષેત્રની ઓળખ માટે પરિભાષા નક્કી કરવી પડે તેમ છે.

અરવલ્લી પર્વતમાળા અંગે સૌથી મોટો વિવાદ તેની ભૌગોલિક સીમા અને પરિભાષાનો છે. પહાડોની સ્પષ્ટ વ્યાખ્યા ન હોવાનાં કારણે અનેકવાર નિર્માણકાર્યો અને ખનનનાં નિયમોનો ભંગ થાય છે. આ પહેલા અદાલતે ખનન ઉપર પૂર્ણ પ્રતિબંધ લગાવવાની વિરુદ્ધ નિર્ણય લીધો હતો. અદાલતનું માનવું હતું કે, આ પ્રકારે નિષેધ મૂકવામાં આવતા ગેરકાયદેસર ખનન જેવી ગતિવિધિઓ વધી શકે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક