• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

મોરબી : સંક્રાંતની રાત્રે વૃધ્ધની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો

પુત્રીના પ્રેમીએ લગ્નનો પ્રસ્તાવ કરતા ના પાડતા પતાવી દીધા

મોરબી,તા.16: મોરબીના મયુર પુલ નીચે મકરસંક્રાંતિની રાત્રીએ ફુગ્ગાના ધંધાર્થી વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો છે. મૃતક વૃદ્ધની પુત્રી સાથે પ્રેમસંબંધ ધરાવતા યુવકે લગ્ન માટે પ્રસ્તાવ મુકતા બન્ને પક્ષે થયેલ ઝઘડામાં ચાર આરોપીઓએ વૃદ્ધને ઢસડી જઈ છરીના ઘા ઝીકી દેતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવના સામાપક્ષે પણ માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.

મોરબીના મયુર પુલ નીચે રહેતા મૂળ ટંકારા તાલુકાના સાવડી ગામના વતની ફરિયાદી મનોજભાઈ કાસુભાઈ ચાડમિયા (ઉ.વ.22)એ આરોપી અજય રમેશભાઈ હઠીલા, અજય ભનુભાઈ, બંટી ડામોર અને આરોપી દિપુ અરજણભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તા.14ની રાત્રીના સમયે આરોપી અજય રમેશભાઈ હઠીલાને ફરિયાદીની બહેન ગીતા સાથે પ્રેમસંબંધ હોય લગ્ન કરવાની વાત કરતા ઝઘડો થયો હતો. બાદમાં આરોપીઓએ પથ્થરના ઘા કરી ફરિયાદીના પિતા કાસુભાઈને ઢસડી બાવળની કાટમાં લઈ જઈ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દેતા મૃત્યુ નીપજ્યું હતું. બીજી તરફ પ્રેમ સંબંધમાં થયેલી આ હત્યાના બનાવમાં સામાપક્ષે મૂળ દાહોદના લીમખેડાના વતની અજય રમેશભાઈ હઠીલા ઉ.વ.25 રહે. હાલ મચ્છુનદીના પટ્ટમાં મોરબી વાળાએ આરોપી મનોજ કાસુભાઈ, મનોજના પિતા કાસુભાઈ, મનોજના સાળા દિલીપભાઈ તેમજ મનોજના સસરા ઘોઘાભાઈ અને સવસીભાઈ નામના આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તા.14ના રોજ રાત્રીના સમયે આરોપીઓ તાપણું કરીને બેઠા હતા ત્યારે પોતે તાપવા માટે ગયા હતા અને પ્રેમસંબંધ બાબતે વાતચીત કરતા આરોપીઓને સારું નહિ લાગતા લાકડાના ધોકા વડે માર મારી પથ્થરના ઘા માર્યા હતા. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક