હરિદ્વાર, વારાણસી અને પ્રયાગરાજમાં
ઊમટયા શ્રદ્ધાળુઓ
નવી દિલ્હી, તા. 18 : મૌની અમાવસ્યાના
અવસરે ધાર્મિક નગરી હરિદ્વાર, વારાણસી અને પ્રયાગરાજમાં આસ્થાનો ભવ્ય સંગમ જોવા મળ્યો
હતો. કડકડતી ઠંડી છતાં સવાર સવારમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઘાટો ઉપર પહોંચ્યા
હતા અને પવિત્ર સ્નાન કર્યું હતું. સુરક્ષાની આકરી વ્યવસ્થા વચ્ચે શ્રદ્ધાળુઓએ સનાન
બાદ મંદિરોમાં પૂજન અર્ચન કર્યું હતું. સંગમ તટે શ્રદ્ધાળુઓ ઉપર હેલિકોપ્ટરથી ફૂલનો
વરસાદ કરવામાં આવ્યો હતો. મેળા પ્રશાસન અનુસાર બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સંગમે
3.15 કરોડ લોકોએ ડૂબકી લગાડી હતી.
હરિદ્વારમાં રવિવારે હજારોની
સંખ્યામાં લોકો ગંગામાં પવિત્ર ડૂબકી લગાડવા, પૂજા પાઠ અને તર્પણ કરવા માટે હર કી પૌડી
ઉપર એકત્રિત થયા હતા. વારાણસીમાં પણ મૌની અમાસ ઉપર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ગંગા
નદીના ઘાટે સ્નાન કર્યું હતું. માઘ મેળાનું ત્રીજું અને સૌથી મોટું સ્નાન મૌની અમાસના
રોજ હોય છે. તેવામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું હતું.