318
રનના વિજય લક્ષ્યાંક સામે સૌરાષ્ટ્ર ટીમ 279 રને ઓલઆઉટ
બેંગ્લુરુ
તા.18: વિજય હઝારે વન ડે ટ્રોફી ત્રીજીવાર કબજે કરવાનું સૌરાષ્ટ્ર ટીમનું સપનું સાકાર
થયું નથી. આજે રમાયેલા ફાઇનલ મુકબલામાં વિદર્ભ ટીમનો સૌરાષ્ટ્ર વિરૂધ્ધ 38 રને શાનદાર
વિજય થયો હતો. આ સાથે વિદર્ભ ટીમે પહેલીવાર વિજય હઝારે ટ્રોફી કબજે કરી છે. ફાઇનલમાં
વિદર્ભના 8 વિકેટે 317 રનના જવાબમાં સૌરાષ્ટ્ર ટીમ સંઘર્ષ બાદ 48.પ ઓવરમાં 279 રને
ઓલઆઉટ થઇ હતી. વિદર્ભ તરફથી અર્થવ તાયડેએ સદી કરી હતી અને યશ ઠાકુરે 4 તથા નચિકેત ભૂતે
3 વિકેટ ઝડપી હતી જયારે સૌરાષ્ટ્ર તરફથી પ્રેરક માંકડે 88 રનની સર્વાધિક ઇનિંગ રમી
હતી.
318
રનના કઠિન વિજય લક્ષ્યનો પીછો કરતા સૌરાષ્ટ્રે 30 રનમાં બન્ને ઓપનર કેપ્ટન હાર્વિક
દેસાઇ (20) અને સેમિ ફાઇનલના સદીવીર વિશ્વરાજ
જાડેજા (9)ની વિકેટ ગુમાવી દીધી હતી. જયારે સમર ગજજર 2પ રને આઉટ થયો હતો. પ્રેરક માંકડે
92 દડામાં 10 ચોક્કાથી 88 અને ચિરાગ જાનીએ 63 દડામાં 3 ચોક્કા-2 છક્કાથી 64 રન કર્યાં
હતા. પરંતુ આ બન્ને સૌરાષ્ટ્રને વિજય અપાવી શકયા ન હતા. રચિત આહિરે 21 રનનું યોગદાન
આપ્યું હતું. આથી સૌરાષ્ટ્ર ટીમ 279 રને ઓલઆઉટ થઇ હતી અને 38 રને હાર નોંધાઇ હતી. આથી
વિજય હઝારે ટ્રોફીમાં ઉપવિજેતા પદથી સંતોષ માનવો પડયો હતો.
અગાઉ
સૌરાષ્ટ્રના કપ્તાન હાર્વિક દેસાઇએ ફાઇનલ મુકાબલામાં ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી.
જેનો ફાયદો હરીફ ટીમ વિદર્ભને મળ્યો હતો. વિદર્ભ તરફથી ઓપનર અર્થવ તાયડેએ શાનદાર સદી
ફટકારી હતી અને 118 દડામાં 1પ ચોક્કા-3 છક્કાથી 128 રનની આક્રમક ઇનિંગ રમી હતી. તેના
અને નવા રનમશીન અમન મોખાડે વચ્ચે પ્રથમ વિકેટમાં 80 રનની ભાગીદારી થઈ હતી. મોખાડેના
33 રન થયા હતા. જયારે અનુભવી યશ રાઠોડે 61 દડામાં 2 ચોક્કા-2 છક્કાથી પ4 રન કર્યા હતા.
તેના અને અર્થવ વચ્ચે બીજી વિકેટમાં 133 રનની ઝડપી ભાગીદારી નોંધાઈ હતી. જો કે આ ત્રણ
બેટરને બાદ કરતા વિદર્ભનો અન્ય કોઈ ખેલાડી મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. રવિકુમાર સમર્થ
2પ, એમ. ડી. ફયાઝ 19, કપ્તાન હર્ષ દુબે 17, નચિકેત 8, અને રોહિત પ રને આઉટ થયા હતા.
દર્શન નાલકંડે 14 અને પાર્થ રેખડે 1 રને નોટઆઉટ રહ્યા હતા. આથી વિદર્ભના પ0 ઓવરના અંતે
8 વિકેટે 317 રન થયા હતા. સૌરાષ્ટ્ર તરફથી સ્પિનર અંકુર પનવારને 6પ રનમાં 4 વિકેટ મળી
હતી. ચેતન સાકરિયા અને ચિરાગ જાનીએ 2-2 વિકેટ લીધી હતી.