એસ્ટ્રોન ચોકમાં મોબાઇલના મોટાવેપારીઓ
જીએસટીની ઝપટે ચડયા બાદ ડીજીજીઆઈની પણ તપાસ
આંતરરાષ્ટ્રીય
રેકેટ પકડાવાની સંભાવના : મોબાઈલ લે-વેચના રજિસ્ટર પણ શંકાના દાયરામાં
રાજકોટ,
તા. 18 : રાજકોટમાં જીએસટી વિભાગ દ્વારા એસ્ટ્રોન ચોકમાં આવેલા મોબાઇલના મોટા શો રૂમમાં
તપાસ શરૂ કરવામાં આવી છે. એસ્ટ્રોન ચોક સ્થિત ઉમિયા મોબાઇલ, મેહુલ ટેલિકોમ અને જેનિસ
મોબાઇલ સહિતના શોરૂમ પર સેન્ટ્રલ જીએસટી વિભાગની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કરતા આ વિસ્તારમાં
મોબાઇલના વિક્રેતાઓમાં ફફડાટ ફેલાયો છે. જીએસટી બાદ ડીજીજીઆઈ (ડીરેકટોરેટ જનરલ જીએસટી
ઈન્ટેલીજન્સ) પણ આ તપાસમાં જોડાયાની ચર્ચા છે. જેમાંથી મોબાઈલનુ આંતરરાષ્ટ્રીય રેકેટ
પકડાય એવી સંભાવના છે.
સેન્ટ્રલ
જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ એકાએક અચાનક જુદા-જુદા મોબાઇલ શોરૂમ પર આવી પહોંચ્યા
હતા. અધિકારીઓએ દુકાનોમાં પ્રવેશતાની સાથે જ શટર બંધ કરાવી દીધા હતા અને અંદર તપાસ
શરૂ કરી દીધી હતી. એસ્ટ્રોન ચોક વિસ્તાર મોબાઇલની ખરીદી માટે જાણીતો છે અને રવિવારે
પણ ઘણા શો રૂમ ખુલ્લા રહેતા હોય છે ત્યારે હાથ ધરાયેલી તપાસનાં કારણે ગ્રાહકોમાં પણ
કુતૂહલ અને મુંઝવણ જોવા મળી હતી કારણ કે શટર બંધ હોવા છતાં અંદર દસ્તાવેજો અને સ્ટોકની
ચકાસણી કરવામાં આવી હતી. બાદમાં આ તપાસમાં ડીજીજીઆઈ પણ જોડાયાની ચર્ચા છે.
સૂત્રોના
જણાવ્યા અનુસાર મોબાઈલના કેટલાક વિક્રેતાઓ દુબઈથી સસ્તા ભાવે ફોન મગાવીને બિલ વગર તેનું
વેચાણ
કરતા
હોવાની, રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ રજિસ્ટર ન નિભાવતા હોવાની આશંકાના આધારે
આ કાર્યવાહી કરાઈ હતી. જેમાંથી દુબઈથી રાજકોટ સુધીનું મોબાઈલ રેકેટ ખુલે તેવી સંભાવના
નકારી શકાતી નથી. મોબાઈલના વિક્રેતાઓને ત્યાં રજિસ્ટર અને ડેટા એન્ટ્રીમાં મોટો તફાવત
જોવા મળ્યો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
જીએસટી
વિભાગને શોરૂમમાં બિલ વિનાના મોબાઇલ ફોનનું વેચાણ, જૂના મોબાઇલના વ્યવહારોમાં કર ચોરી
અને અન્ય નાણાકીય અનિયમિતતાઓ આચરવામાં આવી રહી હોવાની આશંકા છે. હાલ અધિકારીઓ દ્વારા
વેચાણના બિલો, જીએસટી રિટર્ન અને ફિઝિકલ સ્ટોકની તપાસ કરવામાં આવી રહી છે. મોબાઇલ-સ્માર્ટ
ફોન અને ટેબલેટ્સ જેવાં ઉપકરણો ઉપર જીએસટીનો સ્લેબ 18 ટકા જેટલો ઊંચો છે ત્યારે આ ઉપકરણના
વેચાણમાં અન્ડર ઇન્વોઇસ બતાવીને મોટી કરચોરી થતી હોવાની આશંકા છે.
એસ્ટ્રોન
ચોકની આ કાર્યવાહીને પગલે આસપાસની અન્ય મોબાઇલ શોરૂમ અને દુકાનોના સંચાલકોએ પોતાના
શોરૂમના શટર બંધ કરી દીધા હતા.