• સોમવાર, 19 જાન્યુઆરી, 2026

ચારધામ યાત્રામાં હવે રીલ પર પાબંદી

કેદારનાથ-બદ્રીનાથ સહિતના ગર્ભગૃહમાં મોબાઈલ પર રોક : નિયમ તૂટશે તો થશે દંડ

ગઢવાલ, તા. 18 : ઉત્તરાખંડની વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રા અંગે રાજ્ય સરકાર અને મંદિર પ્રબંધકોએ કડક અને ઐતિહાસિક નિર્ણય લેતાં હવે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના ગર્ભગૃહમાં કોઈ પણ શ્રદ્ધાળુ મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકે, તેમાં પણ ખાસ કરીને તસવીર અને સોશિયલ મીડિયા રીલ બનાવવા પર પ્રતિબંધ મુકાયો છે.

એક મીડિયા હેવાલ મુજબ, પ્રશાસને કહ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી મંદિરની અંદર રીલ બનાવવા અને આપત્તિજનક વીડિયો શૂટ કરવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં મંદિરની પવિત્રતા જોખમાવા સાથે દર્શનાર્થીઓને અસુવિધા થતી હોવાથી આ પગલાં લેવાયાં છે.

નવા નિયમ મુજબ, હવે મંદિર પરિસરમાં પ્રવેશ કરવાથી પહેલાં મોબાઈલને સુરક્ષિત સ્થાન પર રાખવો પડશે અથવા સ્વિચઓફ કરી દેવાનો રહેશે. મંદિરની અંદર કોઈ પણ પ્રકારનું ડિજિટલ રેકોર્ડિંગ અમર્યાદિત વર્તન લેખાશે તેવું જણાવાયું હતું.

મંદિર પ્રબંધકોએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં ખ્યાતિ મેળવવા ઘણા ઈન્ફ્લુએન્સર મંદિરના નિયમો સામે આંખ આડા કાન કરે છે. તેથી કોઈ વ્યક્તિ મંદિરમાં ચોરીછૂપીને કેમેરા લઈ જશે અને રીલ બનાવતી પકડાશે તો તેનું ઉપકરણ જપ્ત કરી લેવા સાથે દંડ લગાડવા સહિતના પગલાં લેવાઈ શકે છે.

નોંધનીય છે કે, ચારધામ યાત્રા દરમિયાન દરવર્ષે લાખોની સંખ્યામાં ભક્તો પહોંચતા હોય છે, જેમાં ઘણા લોકો રીલ બનાવવાના કારણે મુખ્ય દર્શન સ્થળ પર વધુ સમય વિતાવતા હોવાથી લાંબી લાઈનો લાગે છે, જેથી આ નિયમ લાગુ કર્યા બાદ દર્શનની પ્રક્રિયા ઝડપી થશે અને ભીડને પણ નિયંત્રિત કરી શકાશે સાથે જ શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં બાબાના દર્શન કરી શકશે તેમ પ્રબંધકોએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક