• મંગળવાર, 20 જાન્યુઆરી, 2026

ભાજપમાં ‘નબીન’ યુગનાં મંડાણ

નીતિને ઉમેદવારી નોંધાવી : શાહ, રાજનાથ પ્રસ્તાવક; આજે શપથગ્રહણ કરી શકે છે

નવી દિલ્હી, તા. 19 : ભાજપમાં ‘નબીનયુગ’નો પ્રારંભ થવા જઇ રહ્યો છે. કેસરિયા પક્ષના કાર્યકારી સુકાની નીતિન નબીને સોમવારે રાષ્ટ્રીય અધ્યક્ષનાં પદ માટે ઉમેદવારી નોંધાવી દીધી હતી. નીતિન આવતીકાલે મંગળવારે શપથગ્રહણ કરી શકે છે. નામાંકન પત્ર ભરતી વખતે દેશના ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથસિંહ નબીનના પ્રસ્તાવક રહ્યા હતા. જે.પી. નડ્ડા અને હરદીપસિંહ પુરી, નીતિન ગડકરી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ નીતિનનાં નામાંકન વખતે સાથે જોડાયા હતા.

દરમ્યાન, નીતિન નબીનનાં પત્ની દીપમાલા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, પક્ષને હીરાની પરખ છે. કેન્દ્રીય નેતૃત્વ જાણે છે કે, કઇ વ્યક્તિ કામ કરવામાં સક્ષમ છે. નીતિનને તેમની મહેનતનું ફળ મળ્યુંછે.

ઉમેદવારીનાં મહત્ત્વનાં ચરણ બાદ હવે કોઇ વિરોધ, વિઘ્ન ન સર્જાય તો આવતીકાલે મંગળવારે નીતિન નબીન પક્ષના સૌથી યુવાન રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે.

પટણામાં 1980માં જન્મેલા નીતિન નબીન પાંચ વખત ધારાસભ્ય બન્યા અને ત્રણવાર મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમના પિતા પણ ધારાસભ્ય રહી ચૂક્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક