• મંગળવાર, 20 જાન્યુઆરી, 2026

વડોદરામાં કાકાએ પોતાના મેડિકલ સ્ટોરમાંથી લાવીને કફ સિરપ પીવડાવ્યા બાદ 5 વર્ષની ભત્રીજીનું મૃત્યુ


 

બાળકીના માસીએ દવાની ગુણવત્તા અને તેની અસર પર શંકા સાથે ન્યાયની માગ કરી : પોલીસે મૃતદેહનું પેનલ પોસ્ટ મોર્ટમ કરાવ્યું, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દવાના સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા

 

(ફૂલછાબ ન્યુઝ)

વડોદરા, તા.19 : શહેરમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી પાંચ વર્ષની માસૂમ બાળકીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બાળકીના માસીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, મેડિકલ સ્ટોરમાંથી લાવેલી શરદી-ખાંસીની સિરપ પીવડાવ્યા બાદ તેની તબિયત એકાએક લથડી હતી, જે તેના મૃત્યુનું કારણ બની છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા બી ડિવિઝનના એ.સી.પી. આર.ડી. કવા તાત્કાલિક ગોત્રી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચ્યા હતા. તેમણે શોકતુર પરિવારની મુલાકાત લઈ સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દવાના સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા છે.

ધ્યાનીએ નાની ઉંમરે માતા-પિતા ગુમાવી દીધા હતા અને વડોદરામાં તેના દાદા-દાદી સાથે રહેતી હતી. ધ્યાનીને સામાન્ય શરદી અને ખાંસીની તકલીફ થતા તેના પિતરાઈ કાકા પોતાના મેડિકલ સ્ટોર પરથી શરદી-ખાંસીની સિરપ લઈ આવ્યા હતા. બાળકીને આ સિરપ પીવડાવ્યાના થોડા જ સમયમાં તેની સ્થિતિ બગડવા લાગી હતી. તબિયત વધુ લથડતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પૂર્વે જ માસૂમ ધ્યાનીએ અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવની જાણ થતાં જ બાળકીના માસી અને અન્ય સંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

મૃતક બાળકીના માસીએ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, બાળકી સાથે કંઈક અજુગતું બન્યું છે. દવાની આડઅસર છે કે અન્ય કોઈ કારણ તે તપાસનો વિષય છે. મેડિકલ સ્ટોરની દવાની ગુણવત્તા અને તેની અસર પર શંકા વ્યક્ત કરીને ન્યાયની માગ કરી છે. બીજી તરફ ધ્યાનીના દાદીએ કહ્યું હતું કે, એ તો અમારી પોતાની દીકરી હતી, અમે એનું ક્યારેય કંઈ ખોટું કરીએ જ નહીં. અમે તો એની પૂરેપૂરી માવજત કરતા હતા, એને ભણાવતા-ગણાવતા હતા. તેની માસી અમારી સાથે ઝઘડો કરીને પરાણે છોકરીઓને લઈ ગઈ હતી. થોડા દિવસો બાદ છોકરીઓ રમતા-રમતા પડી ગઈ હતી અને મોટી છોકરીને ફ્રેક્ચર થયું છે, એટલે હવે તમે જ આને રાખો કહીને અમને સોંપી દીધી હતી એને શરદી-ઉધરસ હતા એટલે અમે એને સિરપ પીવડાવ્યું હતું. એ તો શરદી-ખાંસીની સામાન્ય દવા હતી. અમે કંઈ એને મારવા માટે થોડી સિરપ પીવડાવીએ, હું એની સગી દાદી છું.

મૃતક ધ્યાનીના કાકા શૈલેષ ઠક્કરે જણાવ્યું હતું કે, ધ્યાની આખો દિવસ શહેરમાં ફરી હતી, આનંદમાં હતી. રાત્રે તબિયત સારી હોવાથી દવા આપવાનું મોકૂફ રાખ્યું હતું. સવારે આશરે પોણા સાત કે સાડા છ વાગ્યે મમ્મીએ મને જગાડયો, અમે તાત્કાલિક બાળકીને લઈને ત્રણેક ખાનગી હોસ્પિટલમાં ગયા, અંતે ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક