પોલેન્ડના વિદેશ મંત્રીએ કાશ્મીર ઉપર આપ્યું હતું નિવેદન
નવી દિલ્હી, તા. 19 : વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનને લઈને પોલેન્ડના વલણ ઉપર આકરો વાંધો ઉઠાવ્યો છે. દિલ્હીમાં પોલેન્ડના ઉપ વડા પ્રધાન અને વિદેશ મંત્રી રાદોસ્લાવ સિકોર્સ્કી સાથે બેઠક દરમિયાન જયશંકરે પાકિસ્તાન મામલે તેઓને ઘેર્યા હતા અને કહ્યું હતું કે, પોલેન્ડે આતંકવાદ મુદ્દે ઝીરો ટોલરેન્સ અપનાવવું જોઈએ. જેના ઉપર પોલેન્ડના વિદેશ મંત્રીએ પલટી મારી હતી અને કહ્યું હતું કે તેઓ સીમા પાર આતંકવાદના મુકાબલાની જરૂરીયાત સાથે પૂરી રીતે સહમત છે. વિદેશ મંત્રીએ યુક્રેન યુદ્ધ અને રશિયન તેલ ઉપર ટેરિફના મુદ્દે ભારતને નિશાન બનાવવાના વલણને અયોગ્ય અને અન્યાયપુર્ણ ગણાવ્યું હતું. આ દરમિયાન વિદેશ મંત્રીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે આતંકવાદ પ્રત્યે કોઈપણ પ્રકારની નરમાશ સ્વીકાર્ય નથી. પોલેન્ડના વિદેશ મંત્રી સામે જ કહ્યું હતું કે પોલેન્ડે આતંકવાદ સામે ઝીરો ટોલરેન્સ બતાવવું જોઈએ. પાકિસ્તાન ઉપર નિશાન તાકતા કહ્યું હતું કે, ભારતના પાડોસમાં સક્રિય આતંકવાદી માળખાને કોઈપણ પ્રકારને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં પોલેન્ડના વિદેશ મંત્રી ઈસ્લામાબાદ ગયા હતા. આ દરમિયાન પાકિસ્તાન સાથે જાહેર કરેલા સંયુક્ત નિવેદનમાં કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. પોલેન્ડે આ દરમિયાન આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત ચાર્ટરના સિદ્ધાંતને પુર્ણ સન્માન આપીને શાંતિપૂર્ણ સમાધાન શોધવાની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો. જ્યારે ભારતે આ નિવેદનને આંતરીક મામલામાં દરમિયાનગીરી ગણાવ્યું હતું.