• રવિવાર, 22 માર્ચ, 2026

ઈરાને મોદી પાસે માંગ્યો બ્રિકસનો સહકાર ઈરાનના રાષ્ટ્રપતિ સાથે મોદીની ટેલીફોનિક વાતચીત

હોર્મુઝ ઉપરાંત ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા મુદ્દે થઈ ચર્ચા: હુમલાની નિંદા

નવીદિલ્હી, તા.21: પશ્ચિમ એશિયામાં યુદ્ધનાં કારણે સર્જાયેલી અશાંતિ અને ઈંધણની કટોકટી વચ્ચે શાંતિ અને સ્થિરતાના પ્રયાસો માટે સક્રિય બનેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ.મસૂદ પેઝેશ્કીયન સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી. જેમાં મોદીએ તેમને ઈદ અને નવરોઝની શુભકામના પાઠવી હતી. આમાં ઈરાન સાથે દ્વિપક્ષી સંબંધોને મજબૂત કરવા ઉપર ચર્ચા થઈ હતી. આ વાટાઘાટ ભારત અને ઈરાન વચ્ચે ઉચ્ચ સ્તરીય સંપર્કનો મહત્ત્વનો હિસ્સો છે. પેઝેશ્કિયને વાતચીતમાં બ્રિક્સ સમક્ષ આહવાન કર્યું હતું કે ઈરાન સામે ચાલી રહેલી આક્રમકતા રોકવા માટે એક સ્વતંત્ર ભૂમિકા ભજવવામાં આવે.અમેરિકા-ઈઝરાયલી આક્રમકતા રોકવા ઉપર જ યુદ્ધનો અંત નિર્ભર છે.

આ ઉપરાંત ટ્રમ્પના દાવા ફગાવતા કહ્યું હતું કે, ઈરાનના સર્વોચ્ચ નેતૃત્વએ હંમેશા પરમાણુ હથિયારોનો વિરોધ કર્યો છે અને પરમાણુ હથિયાર બનાવવા ઉપર ધાર્મિક અને પ્રશાસનિક પ્રતિબંધો લાગેલા છે. ઈરાન ઉપર લાગેલા આરોપો ખોટા છે. પીએમ મોદી  સાથે વાત કરતા ઈરાની રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું હતું કે ઈરાન હંમેશા આંતરરાષ્ટ્રીય સ્તરે સંવાદ અને પારદર્શકતા માટે તૈયાર રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયલ  તત્કાળ હુમલા રોકે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી નહી બને તેની ગેરન્ટી આપે તે ક્ષેત્રમાં શાંતિ માટે જરૂરી છે. આ સાથે પશ્ચિમ એશિયાના દેશો વચ્ચે ક્ષેત્રીય સહયોગ મારફતે શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે એક ક્ષેત્રીય સુરક્ષા માળખું બનાવાવનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેમાં બહારનો હસ્તક્ષેપ ન હોય.

વડાપ્રધાન મોદીએ આ વાતચીત અંગે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ પેઝેશ્કીયન સાથે વાતચીતમાં આપણે આશા વ્યક્ત કરી છે કે, આ તહેવારની મોસમ પશ્ચિમ એશિયામાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ લાવશે. ક્ષેત્રમાં વૈશ્વિક આપૂર્તિ ચેનલને બાધિત કરતાં મહત્ત્વનાં બુનિયાદી માળખાઓ ઉપર થયેલા હુમલાની પણ મોદીએ નિંદા કરી હતી. નૌવહનની સ્વતંત્રતાની રક્ષા કરવા અને શિપિંગ લેન ખુલ્લી અને સુરક્ષિત રાખવાનાં મહત્ત્વ ઉપર પણ ભારતે ભાર મૂક્યો હતો. આ ઉપરાંત વાતચીતમાં ઈરાનમાં ભારતીય નાગરિકોની સુરક્ષા માટે કરવામાં આવેલા પ્રયાસોની સરાહના પણ કરવામાં

આવી હતી.હોર્મુઝ વિશે ચર્ચામાં કહેવામાં આવ્યું હતું કે, સમુદ્રી માર્ગોની સુરક્ષા વૈશ્વિક વેપાર અને ઊર્જા સુરક્ષા માટે જરૂરી છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ જેવાં ક્ષેત્રમાં કોઈપણ પ્રકારના અવરોધ આખી દુનિયાની અર્થવ્યવસ્થાને ઝટકો આપી શકે છે. ભારતે હંમેશાં શાંતિ અને સંવાદનાં માધ્યમથી વિવાદ ઉકેલવાની હિમાયત કરી છે અને મોદીએ પેઝેશ્કીયન સાથે વાતચીતમાં પણ આવો જ સંદેશ આપ્યો હતો.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક