ગત સપ્તાહે આવેલા બન્ને જહાજને ઈરાની નૌસેનાએ જ સલામત માર્ગ આપ્યાનો ખુલાસો
નવી
દિલ્હી,તા.21: ઈરાન યુદ્ધમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફસાઈ ગયેલા ભારતીય માલવાહક જહાજોને
આપાત સ્થિતિમાં બહાર કાઢવા માટે સરકાર રણનીતિ બનાવી રહી છે. સરકારને આશા છે કે આનાથી
ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ અને રાંધણ ગેસ જેવા આવશ્યક ઈંધણનો પુરવઠો પૂર્વવત થઈ શકશે. દરમિયાન
એક ખુલાસો એવો પણ થયો છે કે, ગત સપ્તાહે હોર્મુઝમાંથી ભારત આવી પહોંચેલા બન્ને જહાજોને
ત્યાંથી બહાર નીકળવામાં ખુદ ઈરાની સેનાએ જ મદદ કરી હતી.
હોર્મુઝમાંથી
22 જહાજોને સલામત રીતે બહાર કાઢવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. આ જહાજોમાંથી 20 જહાજમાં
10 એલપીજીનાં, સાત ક્રૂડ ઓઈલનાં અને ત્રણ ટેન્કર એલએનજીનાં છે. આ જહાજોને હવે ત્યાંથી
ભારત લઈ આવવા માટે ભારતીય નૌસેના સુરક્ષા વ્યવસ્થા કરશે તેવી યોજના ઘડાઈ રહી છે. શિપિંગ મહાનિદેશાલય તરફથી કેબિનેટ સચિવાલયને આપવામાં
આવેલા એક પ્રસ્તાવ અનુસાર આ વ્યૂહમાં હોર્મુઝમાંથી પસાર થતાં જહાજોને ભારતીય નૌસેના
તરફથી સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને તે જહાજોને સલામત રીતે વહન કરાવી જશે. દરમિયાન અન્ય એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે
કે, જે બે ભારતીય જહાજ ગત સપ્તાહે ભારત પરત આવી પહોંચ્યા હતાં તેને ઈરાની નૌસેનાએ જ
હોર્મુઝમાંથી સુરક્ષિત રસ્તો આપ્યો હતો. ઈરાનીઓએ જહાજનાં ઝંડા, નામ, તેનું ગંતવ્ય સ્થાન,
ચાલકદળનાં સદસ્યોની રાષ્ટ્રીયતા સહિતની જાણકારી મેળવી હતી અને તે ભારતીય હોવાની પુષ્ટિ
થઈ જતાં તેમને એક નિર્ધારિત રસ્તે આગળ વધવા માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો.