• રવિવાર, 22 માર્ચ, 2026

અમેરિકાએ ઈરાની ઓઈલ ખરીદવા આપી છૂટ : દુનિયાને આપવા ઓઈલ ન હોવાનું કહ્યું ઈરાને ભારત સરકાર છૂટ આપે તો રશિયા પછી હવે ઈરાની ઓઈલનાં જહાજો પણ ભારત તરફ વળશે!

નવી દિલ્હી, તા.21: દુનિયામાં ભડકે બળવા લાગેલા ક્રૂડ ઓઈલ અને ગેસનાં ભાવને કાબૂમાં લેવા માટે અમેરિકાએ ઈરાની ઓઈલ ઉપર લાદેલા પ્રતિબંધોમાં કામચલાઉ છૂટછાટો આપી દીધી છે. જેને પગલે ઈરાનનું ઓઈલ એશિયાનાં દેશોમાં આસાનથી પહોંચી શકશે. જેને પગલે ભારતીય રિફાઈનરીઓએ ફરી એકવાર ઈરાની ઓઈલની આયાત પ્રક્રિયા શરૂ કરવાનાં સંકેતો આપ્યા છે. જો કે ભારત સરકાર તરફથી આના માટે ઔપચારિક અનુમતિ આપવામાં આવે પછી જ ઈરાનથી ઓઈલની આયાત શરૂ થશે.

પ્રાપ્ત થતાં અહેવાલો અનુસાર ભારતમાં ક્રૂડ ઓઈલનો ભંડાર અન્ય મોટા એશિયાઈ દેશોની તુલનામાં ઓછો છે. અમેરિકાએ તાજેતરમાં રશિયાથી ઓઈલની ખરીદી ઉપરનો પ્રતિબંધ હંગામી ધોરણે હટાવ્યો હતો. જેને પગલે ભારતીય રિફાઈનરી કંપનીઓએ રશિયાનાં ઓઈલનાં બૂકિંગમાં તેજી દેખાડી હતી.  હવે ઈરાનથી પણ ઓઈલની આયાતનો માર્ગ ખુલ્યો છે ત્યારે ભારતની પ્રમુખ રિફાઈનરીઓને સરકારનાં નિર્દેશો અને ચૂકવણાની વ્યવસ્થા અંગે વોશિંગ્ટનની સ્પષ્ટતાની રાહ છે.

જો કે, અમેરિકાએ આપેલી છૂટછાટ પછી ઈરાને વધુ ચોંકાવતું વલણ અપનાવ્યું છે. તેને સાફ કહી દીધું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં વેંચવા માટે તેની પાસે કોઈ વધારાનું ક્રૂડ ઓઈલ નથી અને આવો કોઈ ફ્લોટિંગ સ્ટોક પણ નથી.

આ પહેલા અમેરિકાનાં ટ્રેઝરી સચિવ સ્કોટ બેસેંટે જણાવ્યું હતું કે, અમેરિકાની સરકારે ઈરાનનાં ઓઈલ ઉપર 30 દિવસો માટે પ્રતિંબધોમાં છૂટ આપી છે. આ છૂટછાટ એવી ઓઈલની ખેપો માટે લાગુ થશે જે 20 માર્ચ સુધીમાં જહાજોમાં લોડ થઈ ગઈ છે અને 19 એપ્રિલ સુધીમાં જેની ડિલીવરી કરવામાં આવશે. આ નિર્ણયનો હેતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનાં ભાવોમાં આગ ઝરતી તેજીને નિયંત્રિત કરવાનો છે.

ડેટા એનાલિટિક્સ એકમ કેપ્લરની જાણકારી અનુસાર આશરે 17 કરોડ બેરલઈરાની ઓઈલ સમુદ્રમાં તરતા ટેન્કરોમાં મોજૂદ છે. આ ઓઈલ મધ્યપૂર્વ ખાડીથી લઈને ચીનનાં સમુદ્ર સુધી ફેલાયેલું છે. જેવી રીતે રશિયાનાં ઓઈલનાં જહાજોને ખરીદીને ભારતે પોતાની બાજુ વાળી લીધા હતાં. એવી જ રીતે ઈરાનનું ઓઈલ પણ ખરીદીને ભારત આ જહાજોને પોતાની બાજુ વાળે તેવી સંભાવના પ્રબળ છે. જો કે હાલનાં તબક્કે તો ઈરાને એવી સ્પષ્ટતા આપી છે કે, તેનું આવું કોઈ ઓઈલ સમુદ્રમાં તરી રહ્યું નથી અને દુનિયામાં વેંચવા માટે તેની પાસે આવો કોઈ વધારાનો ઓઈલ પુરવઠો નથી.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક